Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

મ.ન.પા.ના બોર્ડમાં ભાજપે માનવતા નેવે મૂકી : કોંગ્રેસના બિમાર મહિલા સભ્ય સ્ટ્રેચરમાં આવ્યા છતાં ગેરહાજર ગણાવ્યા

દાદાગીરીથી સામાન્ય સભા માત્ર ૩૦ મીનીટમાં પૂર્ણ કરતા શાસકો : ઘોડા-ગાડીમાં આવેલા વિપક્ષી નેતા સહિતના કોંગી સભ્યોની અટકાયત : ભાજપ શાસકો વિરૂધ્ધ ચાલુ બોર્ડે ગાયત્રીબા, વશરામ સાગઠિયા, પારૂલબેન ડેર, મનસુખ કાલરિયાએ ધરણા કરતા માર્શલ - પોલીસ દ્વારા બહાર મોકલી દેવાયા : વિપક્ષે સભા ત્યાગ કરતા બહુમતીએ ત્રણ દરખાસ્તો મંજૂર

રાજકીય લાચારી... : મ.ન.પા.નાં જનરલ બોર્ડમાં કોંગ્રેસના બિમાર મહિલા નગરસેવક સ્નેહાબેન દવેને સ્ટ્રેચર ઉપર સુતેલી હાલતમાં બોર્ડમાં હાજરી પુરાવા માટે આવવું પડયું હતું. જોકે આમ છતાં શાસકોએ તેઓની ગેરહાજરી ગણતા સ્નેહાબેન માટે રાજકીય લાચારી સમાન હતી. જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૯ : મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ આજે સવારે ૧૧ વાગ્યે પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ ખાતે યોજાયું હતું. જેમાં શાસક પક્ષ ભાજપે કોંગ્રેસના બિમાર મહિલા નગરસેવક કે જેઓ એમ્બ્યુલન્સમાં સ્ટ્રેચરમાં સભાગૃહ સ્થળે આવ્યા હોવા છતાં તેઓની ગેરહાજરી નોંધતા વિપક્ષ કોંગ્રેસે શાસકો સામે દાદાગીરીના આક્ષેપો કરી ચાલુ બોર્ડે જ ધરણા કરી અંતમાં સભાત્યાગ કર્યો હતો અને બધી ધમાલ વચ્ચે ભાજપનાં સભ્યોએ વિપક્ષની ગેરહાજરી નોંધી બોર્ડમાં હાજર સભ્યોની સર્વાનુમતીથી માત્ર ૧૫ થી ૨૦ મીનીટમાં જ ત્રણ જેટલી દરખાસ્તો મંજુર કરી બોર્ડ પૂર્ણ કરી નાખ્યું હતું.

આ અંગેની વિગતો મુજબ જનરલ બોર્ડ શરૂ થતાં જ વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠિયાએ સભા અધ્યક્ષ મેયર બિનાબેન આચાર્યને વિનંતી કરી હતી કે કોંગ્રેસના વોર્ડ નં. ૧૬ના કોર્પોરેટર સ્નેહાબેન બીપીનભાઇ દવે કે જેઓ લાંબા સમયથી બિમાર હોઇ હાલી - ચાલી શકતા નથી છતાં આજે તેઓની બોર્ડમાં હાજરી જરૂરી હોવાથી તેઓ એમ્બ્યુલન્સમાં સભાગૃહનાં પરિસરમાં આવ્યા છે. તો તેઓની સહી લેવડાવી હાજરી પૂરાવવી.

પરંતુ વિપક્ષી નેતાની આ વિનંતી બી.પી.એમ.સી. એકટના નિયમ વિરૂધ્ધની હોવાનું ગણાવી સિનીયર કોર્પોરેટર કશ્યપભાઇ શુકલે મેયરશ્રીને વિનંતી કરેલ કે 'બેનને સ્ટ્રેચરમાં સભાગૃહ સુધી લાવીને તેઓની હાજરી પુરાવી લ્યો જેથી નિયમ ભંગ ન થાય અને બીજી અન્ય ખોટી પ્રણાલી ન પડે.'

આ બાબતને લઇને વિપક્ષી નેતા તેમજ ઉપનેતા મનસુખ કાલરિયા, ઘનશ્યામસિંહ જાડેજા વગેરેએ 'શાશકોએ માનવતા દાખવવી જોઇએ... કેમકે ઘણી વખત તો ભાજપ કાર્યાલયમાં પણ સભ્યોની હાજરીઓ પુરાવાના દાખલા છે તેના વિડીયોના પુરાવા પણ છે' તેવું કહી ચાલુ બોર્ડે જ કોંગી સભ્યો ધરણા ઉપર બેસી શાસકો સામે દાદાગીરીના આક્ષેપો કર્યા હતા.

આ દરમિયાન પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા અશોકસિંહ વાઘેલાએ પણ સભાગૃહ સુધી સાયકલ અને ઘોડા ગાડીમાં આવેલા કોંગી નગરસેવકોની કારણ વગર પોલીસે અટકાયત કર્યાના મુદ્દે શાશકોની ઝાટકણી કાઢી હતી. સભાગૃહમાં ધરણા પર બેસી ગયા હતા. 

આ બધી ધમાલ થતાં સભા અધ્યક્ષ મેયર બીનાબેન આચાર્યએ માર્શલ અને પોલીસ બોલાવી ધરણા પર બેઠેલા કોંગી સભ્યોને સભાગૃહની બહાર મોકલી દીધા હતા. આથી વિપક્ષી નેતા સહિત તમામ કોંગી સભ્યોએ બોર્ડનો બહિષ્કાર કર્યો હતો.

આથી બોર્ડમાં હાજર રહેલા ભાજપના સભ્યોએ સર્વાનુમતીથી ત્રણ દરખાસ્તો મંજુર કરી દેતા બોર્ડ પૂર્ણ કરી દેવાયું હતું અને આ બોર્ડમાં સ્ટ્રેચર પર આવેલા કોંગ્રેસના સભ્ય સ્નેહાબેન દવેની ગેરહાજરી ગણવામાં આવશે તેવી સ્પષ્ટતા સભા અધ્યક્ષ બીનાબેન આચાર્યએ સભાના અંતમાં કરી હતી.

જમીનની બે અરજન્ટ દરખાસ્ત મંજુર

બોર્ડના એજન્ડામાં રહેલી યોગ સેન્ટરના સંચાલનની દરખાસ્ત ઉપરાંત ટી.પી. સ્કીમ બેરીડ અંગેની બે અરજન્ટ દરખાસ્તો મંજુર કરી દેવાયેલ.

(3:40 pm IST)