Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

ગુજરાતમાં સ્થિતિ થોડી સુધરશે : ઉત્તર ભારતમાં ચોમાસાનો અસલ મિજાજ જોવા મળતો નથી

બિહાર - ઉત્તરપ્રદેશ - મહારાષ્ટ્રમાં ઝમાઝમ વરસાદનો દોર જારી રહેશે

નવી દિલ્હી, તા. ૨ં૯ : ગત અઠવાડીયાથી સૌરાષ્ટ્ર - ગુજરાત ઉપર કોઈ ભારે વરસાદ થયો નથી. સિવાય કે લોકલ ફોર્મેશનની અસરથી કોઈ - કોઈ જગ્યાએ વરસી જાય છે. જો કે હવે પરિસ્થિતિ હવે થોડી સુધરતી જણાય છે. જયારે ઉત્તર ભારતમાં પણ ચોમાસાનો અસલ મિજાજ જોવા મળ્યો નથી. જો કે બિહાર, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્રમાં વરસાદી દોર જારી રહેશે તેમ વેધરની સંસ્થા સ્કાયમેટે જણાવ્યુ છે.

ચોમાસાના ચાર મહિનાના પ્રથમ માસ પૂર્ણ થવામાં છે. આ મહિનામાં દેશભરમાં સામાન્યથી ૨૦ ટકા વધુ વરસાદ નોંધાયો છે. મધ્ય ભારતમા સામાન્યથી ૪૦ ટકા, ઉત્તર - પૂર્વ - દક્ષિણ ભારતમાં પણ સામાન્યથી વધુ વરસાદ પડ્યો છે. દેશભરમાં ચોમાસાનું આગમન થઈ ગયુ છે. પરંતુ અમુક વિસ્તારો એવા છે કે જયાં વરસાદ ઓછો થયો છે. ઉલ્લેખનીય છે કે ચોમાસુ બેસી ગયા બાદ વરસાદનો એકાદ સપ્તાહ બ્રેક આવતો હોય છે. આ ઘણા વર્ષોથી થતુ હોય છે.

પૂર્વોત્તર ભાગોમાં મેઘરાજા બેફામ વરસી રહ્યા છે તો બીજી તરફ પશ્ચિમના ભાગોમાં ભેજ જોવા મળે છે. પંજાબ, હરિયાણા, દિલ્હી, એનસીઆર, રાજસ્થાનમાં વરસાદની સંભાવના ઓછી છે.

ઉત્તરપ્રદેશના પશ્ચિમી ભાગોમાં લાંબા સમયથી સારો વરસાદ થયો નથી. હવે આગામી સમયમાં સ્થિતિ સાનુ કૂળ થઈ રહી છે. મેરઠ, અલીગઢ, આગ્રા, બરેલી સહિતના વિસ્તારોમાં વરસાદની શકયતા છે.

જયારે બિહારમાં ગત સપ્તાહમાં જોરદાર વરસાદ પડતા વિજળી પડવાથી ૧૦૦થી વધુ લોકોના મોત નિપજ્યા હતા. પટના, ગયા, ભાગલપુર, સીબાન, ચંપારણ સહિતના જિલ્લાઓમાં આગામી ૨૪ કલાક ભારે વરસાદ પડી શકે છે. સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત બની જશે.

પશ્ચિમ બંગાળથી દક્ષિણ ભારત સુધી વરસાદની સંભાવના છે. સિક્કિમ, પૂર્વોત્તર ભારત, મેઘાલય, નાગાલેન્ડમાં સારા વરસાદની સંભાવના છે. ઝારખંડમાં પણ બે-ત્રણ દિવસ વરસાદ ચાલુ રહેશે.

ઓરીસ્સા, મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં વરસાદ અવિરત ચાલુ રહેશે.

મહારાષ્ટ્રમાં પણ હળવાથી મધ્યમ અને ગુજરાતમાં દક્ષિણના ભાગોમાં હળવાથી મધ્યમ તેમજ આવતીકાલથી સાબરકાંઠા, બનાસકાંઠા, ઉત્તર ગુજરાત અને ઉત્તર અને દક્ષિણ રાજસ્થાનમાં વરસાદ પડશે.

(11:37 am IST)