Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

મહારાષ્ટ્રમાં ૩૦ જૂન પછી પણ લોકડાઉન કાયમ રહેશેઃમુખ્ય પ્રધાન ઉદ્ઘવ ઠાકરે

અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે અનલોકની પ્રક્રિયાને ધીરે ધીરે લાગુ કરવામાં આવી રહી છે

મુંબઇ,તા.૨૭:મુખ્ય પ્રધાન ઉદ્ઘવ ઠાકરેએ રાજયની જનતાને સંબોધી હતી અને સંકેત આપ્યો હતો કે, ૩૦ જૂન પછી પણ રાજયમાં લોકડાઉન કાયમ રહેશે. જોકે, અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે અનલોકની પ્રક્રિયાને ધીરે ધીરે લાગૂ કરવામાં આવી રહી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

રાજયનું સંબોધન કરતા ઉદ્ઘવ ઠાકરેએ આજે કહ્યું હતું કે, કોરોના વાયરસ (કોવિડ-૧૯)નું જોખમ હજી પણ રાષ્ટ્ર પર છે. એટલે આપણે સાવધાની રાખવાની જરૂર છે. એટલે એવું ન વિચારો કે ૩૦ જૂન પછી લોકડાઉન પુર્ણ થઈ જશે.

કોરોના વાયરસ સિવાય મુખ્ય પ્રધાને અન્ય બાબતો પર પણ આજે વાતચીત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ફકત કોરોના વાયરસથી જ નહીં પરંતુ લોકોએ મોન્સૂનમાં થતા મલેરિયા અને ડેન્ગયૂથી પણ પોતાની રક્ષા કરવાની છે. એટલું જ નહીં મહામારીની પાર્શ્વભૂમિ પર મુખ્ય પ્રધાને બધા ડોકટરો અને ખાનગી હોસ્પિટલોને સેવા શરૂ કરવાની અપીલ કરી હતી. સાથે જ સરકારની માર્ગદર્શિકાનું લોકો બરાબર પાલન કરે તે માટે મુંબઈ પોલીસે લોકોને આગ્રહ કરવો તેવી પણ વિનંતી કરી છે. તેમણે #MissionBeginAgain અંતર્ગત અનેક ઉપાયોની ઘોષણા કરી છે. એટલું જ નહીં, મુખ્ય પ્રધાને લોકોને નિયમોનું પાલન કરવાની વિનંતી કરી છે.

(11:35 am IST)