Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

લોકડાઉનમાં જવેલર્સની કંપનીમાંથી થઇ ૬.૧૪ કરોડના દાગીનાની ચોરી

કંપની બંધ હોવાનો લાભ લઇને કર્મચારીએ મિત્ર સાથે મળીને દાગીના તફડાવ્યાનું જણાતાં બેની ધરપકડ કરાઇ

મુંબઇ, તા.૨૯: કોરોનાને લીધે અચાનક લોકડાઉન કરાતાં તમામ કામકાજ બંધ થઇ ગયા બાદ તબક્કાવાર ફરી કામ ધંધા શરૂ થઇ રહ્યા છે ત્યારે કેટલીક ચોંકાવનારી બાબતો સામે આવી રહી છે. ભાઇંદરમાં લોકડાઉન થયું ત્યારે ડાયમંડ જવેલરી બનાવતી કંપનીની તીજોરીમાં રાખેલા ૬.૧૪ કરોડ રૂપિયાના દાગીના ચોરી થવાની જાણ થતાં મામલો પોલીસે સ્ટેશને પહોંચ્યો હતો. તપાસમાં કંપનીના એક કર્મચારીએ જ કરોડો રૂપિયાના દાગીના તીજોરીમાંથી કાઢીને બારોબાર વેચી નાખ્યા હોવાનું જણાતાં પોલીસે આ કેસમાં બેની ધરપકડ કરી હતી.

પોલીસના જણાવ્યા મુજબ ફરીયાદી સુભાષ જૈન ભાઇંદર (પૂર્વ)માં ડાયમંડના દાગીના બનાવવાની કંપની ધરાવે છે. કંપનીને એક જાણીતી કંપનીનો ડાયમંડ જવેલરીનો ઓર્ડર મળ્યા બાદ કંપનીએ આવા ૧૪૬ દાગીના બનાવીને તૈયાર કર્યા હતા. જોકે આ દરમ્યાન અચાનક લોકડાઉન કરાતાં માલિકે કંપનીના વિશ્વાસુ કર્મચારી રિકેશ મુકેશ સિરોયાને તીજોરીની ચાવી આપીને તૈયાર દાગીના મુકવાનું કહ્યું હતું. ફરીયાદ મુજબ બાદમાં પણ તીજોરીની ચાવી રિંકેશ પાસે જ હતી.

ફરીયાદીએ આગળ નોંધ્યું હતું કે લોકડાઉન છૂટછાટ અપાયા બાદ ૧૧ જૂને કંપની ફરી શરૂ કરાઇ હતી. આ સમયે જે કંપનીએ ડાયમંડના દાગીના બનાવવાનો ઓર્ડર આપ્યો હતો તેણે માલની ડીલીવરી કરવાનુ કહ્યું હતું. જોકે કંપનીના મેનેજરે તીજોરીમાંથી ડાયમંડના દાગીના ગાયબ હોવાનું કહેતા આ કામ રિંકેશનું હોવાની શંકાને આધારે તેને તાત્કાલિક કંપનીમાં બોલાવાયો હતો. રિંકેશે કબુલ કર્યુ હતું કે તેણે ક્રિકેટના સટ્ટામાં મોટી રકમ ગુમાવી હોવાથી તીજોરીમાં રાખેલા દાગીનાની ચોરી કરીને વેચી નાખ્યા છે.

ડાયમંડ કંપનીના માલિકે ભાઇંદરના નવઘર પોલીસ સ્ટેશનમાં જાણ કરાતાં પોલીસે આરોપી રિંકેશ સિરોયા અને વિનય કેવલચંદ બંબોલી સામે ૧૧ જૂન ૨૦૨૦ના રોજ કેસ (એફઆઇઆર નં.૦૧૮૯) નોંધીને તેમની ૧૨ અને ૧૩ જૂને ધરપકડ કરી હતી. ૨૬ જૂને આરોપીઓને પોલીસ રીમાંડ પૂરી થયા બાદ તેઓ જામીન પર છૂટયા હતા. નવઘર પોલીસ સ્ટેશનના સિનીયર ઇન્સ્પેકટર સંપતરાવ પાટીલે 'મિડ-ડે'ને કહ્યું હતું કે '૬.૧૪ કરોડ રૂપિયાના ડાયમંડના દાગીના ચોરી કરવાના આરોપસર અમે બે આરોપીની ધરપકડ કરી છે. તેમની પાસેથી ચોરીનો માલ ખરીદનારાઓની તપાસ ચાલી રહી હોવાથી વધારે માહિતી હમણાં નહીં આપી શકાય'.

(10:39 am IST)