Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

સુશાંતસિંહ મૃત્યુઃ પોલીસે અત્યાર સુધીમાં ૨૭ જણની પૂછપરછ કરી છે

મુંબઇ, તા.૨૯: બોલીવુડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુના કેસમાં મુંબઇ પોલીસ તપાસ કરી રહી છે. આ કેસ આત્મહત્યાનો છે, પરંતુ સુશાંતને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવામાં આવ્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે તો કોઇકને શંકા છે કે આ આયોજનપૂર્વકની હત્યા છે. પોલીસ તમામ પાસાં વિશે તપાસ કરી રહી છે.

૩૪ વર્ષનો સુશાંત ગઇ ૧૪ જુને બાન્દ્રા (વેસ્ટ) ઉપનગરના કાર્ટર રોડ પર માઉન્ટ બ્લાં સોસાયટીના છઠા માળ પર આવેલા તેનાં ડુપ્લેક્ષ ફલેટમાં લટકતી હાલતમાં મૃત અવસ્થામાં મળી આવ્યો હતો.

બાન્દ્રા પોલીસ સ્ટેશનના અધિકારીઓ આ કેસમાં અત્યાર સુધીમાં ૨૭ જણની પૂછપરછ કરી ચૂકયા છે.

સુશાંતના પરિવારજનો અને એનાં પ્રશંસકોએ જાણવા માગે છે કે સુશાંતે કયા કારણે આત્મહત્યા કરી હતી.

મુંબઇ પોલીસના ડીસીપી (ઝોન-૯) અભિષેક ત્રિમુખેએ કહ્યું કે અમને સુશાંતના પોસ્ટમોર્ટમનો વિગતવાર અહેવાલ મળી ચૂકયો છે. ડોકટરોએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે મોતનું કારણ ગળાફાંસો લાગવાથી શ્વાસ રૃંધાઇ જવાનું હતું. અમે દરેક રીતે આત્મહત્યાની તપાસ કરી રહ્યા છીએ.

પોલીસ અત્યાર સુધીમાં સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી, સુશાંતની આખરી, અનરિલીઝ ફિલ્મ દિલ બેચારાના દિગ્દર્શક મુકેશ છાબડા, સુશાંત સાથે ફલેટમાં રહેતા ડિઝાઇનર સિધ્ધાર્થ પિઠાની, મહિલા કાસ્ટીંગ ડાયરેકટર શાનૂ શર્મા, સુશાંતની બહેન અને ઘરમાં કામ કરનારાઓની પૂછપરછ કરી છે.

શાનૂ શર્મા યશરાજ ફિલ્મ કંપનીમાં કાસ્ટીંગ ડાયરેકટર તરીકે કામ કરે છે. શાનૂએ સુશાંત સાથે 'શુદ્વ દેસી રોમાન્સ' અને 'ડીટેકટીવ બ્યોમકેશ બક્ષી' સાથે કામ કર્યુ હતું. આ બંને ફિલ્મને આદિત્ય ચોપરાની આગેવાની હેઠળની યશરાજ ફિલ્મસે રીલીઝ કરી હતી.

બોલીવૂડનાં કેટલાક વધુ પ્રોડકશન હાઉસીસના પ્રતિનિધિઓની પણ પોલીસ પૂછપરછ કરવાની છે.

(10:39 am IST)