Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

અમેરિકામાં કોરોનાનો આંકડો ૨૫ લાખને પાર

અમેરિકામાં સવા લાખથી વધુનાં મોત

વોશિંગટન, તા. ૨૮ : વૈશ્વિક કોરોના મહામારીથી સૌથી વધુ પ્રભાવિત દેશ અમેરિકામાં સંક્રમણના કેસો વધીને ૨૫ લાખને પાર કરી ગયા છે. સૌથી વધુ કેસને મુદ્દે અમેરિકા વિશ્વના ટોપ ૧૦ દેશોની યાદીમાં પહેલા નંબરે છે. કોરોના સંક્રમણની કડી તોડવામાં અમેરિકા જેવી મહાસત્તા પણ થાપ ખાઇ રહી છે. સમગ્ર વિશ્વમાં આ બીમારીને લઇને અલગ-અલગ આંકડાઓનો અભ્યાસ કરી રહેલી જોનસ હોપકિન્સ યુનિવર્સિટીએ તાજેતરમાં બહાર પાડેલા આંકડાઓ મુજબ અમેરિકામાં હાલમાં ૨૫,૦૦,૪૧૯ કેસ સામે આવ્યા છે, પરંતુ અમેરિકા જેવા વિકસિત અને શક્તિશાળી દેશ માટે સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, વિતેલા ૨૪ કલાકમાં ૪૩,૧૨૧ કોરોના સંક્રમણના નવા કેસ સામે આવ્યા છે, જ્યારે ૫૦૨ અન્ય દર્દીઓ દમ તોડી ચૂક્યા છે. અમેરિકામાં કુલ મૃત્યુઆંક વધીને ૧,૨૫,૪૮૦એ પહોંચી ગયો છે. આ આંકડો વિશ્વના કુલ મૃત્યુઆંક ૪,૯૫,૦૦૦નો ચોથા ભાગનો છે.  અમેરિકાના ફ્લોરિડામાંથી વિતેલા ૨૪ કલાકમાં ૯,૫૮૫ નવા કેસ સામે આવ્યા છે અને આજ પ્રકારની સ્થિતિ અમેરિકાના મોટા ભાગના સ્ટેટ્સની છે.

(12:00 am IST)