Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

‘સુશાંતના કેસમાં શું શોધવાનું બાકી છે? પોલીસ કોની તપાસ કરી રહી છે? : આત્મહત્યાએ ઉજવણીનું સ્વરૂપ ધારણ કરતા શિવસેનાએ ઉઠાવ્યા સવાલ

સુશાંતના મોત સિવાય દેશમાં ઘણું બધું થઈ રહ્યું છે. કોરોનાનો કહેર હજુ પણ ચાલુ છે, ચીની હુમલામાં 20 સૈનિકો શહીદ થયા

મુંબઈ : અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં પોલીસ તપાસ ચાલી રહી છે. પોલીસ આ મામલાને ગંભીરતાથી લઈ રહી છે અને તપાસની પ્રક્રિયા ખૂબ નજીકથી આગળ ધપાવી રહી છે. આ સાથે જ શિવસેનાના સાંસદ સંજય રાઉતે પણ સવાલ ઉઠાવ્યો છે કે પોલીસ આ કેસમાં આટલા લાંબા સમયથી લોકોની પૂછપરછ કેમ કરે છે. સંજય રાઉતે સેનાના મુખપત્ર સામનામાં લખેલા લેખમાં સવાલ ઉઠાવ્યા છે.

સંજય રાઉત અનુસાર સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાએ હવે ઉજવણીનું સ્વરૂપ ધારણ કરી લીધું છે. તેમનું કહેવું છે કે, સુશાંતના મૃત્યુને આટલો સમય થઈ ગયો છે, પરંતુ હજી પણ એના જ વિશે વાત કરવામાં આવી રહી છે. તેમનું કહેવું છે કે, સુશાંતના મૃત્યુ પછી આ દેશમાં ઘણું બધું બન્યું છે, પરંતુ શા માટે દરેકનું ધ્યાન સુશાંત પર છે. હિન્દી સિનેમા કલાકાર અને સિને બનાવટથી સમાજનાં જીવન ઉપર કેટલી અસર પડે છે તે સુશાંતના આપઘાત કેસમાં બહાર આવ્યું છે.

 

રાઉતે આગળ પ્રશ્ન ઉભો કર્યો કે, ‘સુશાંતના કેસમાં શું શોધવાનું બાકી છે? પોલીસ કોની તપાસ કરી રહી છે? અભિનેતા થોડા સમયથી એકલો જ હતો. તેની માનસિક સ્થિતિ સારી નહોતી. નિષ્ફળતાની હતાશામાં તેણે બાંદ્રા સ્થિત તેના ઘરે ગળેફાંસો ખાઇને પોતાનો જીવ દીધો. પરંતુ તેના કારણે બોલિવૂડની મ્યૂઝિક ઈન્ડસ્ટ્રી અને સગાવાદની હવા નીકળી ગઈ.

સંજય રાઉતનું કહેવું છે કે, સુશાંતના મોત સિવાય દેશમાં ઘણું બધું થઈ રહ્યું છે. કોરોનાનો કહેર હજુ પણ ચાલુ છે, ચીની હુમલામાં 20 સૈનિકો શહીદ થયા છે. છતાં એક હજુ પણ સુશાંતની આત્મહત્યાના જ સમાચાર મળી રહ્યા છે. તેણે એક વ્યક્તિની આત્મહત્યાનું ઉદાહરણ આપ્યું કે, પુણેમાં રહેતા રાજેશ શિંદે નામના વ્યક્તિએ લોકડાઉનમાં પત્ની અને બે પુત્રી સાથે મળીને આત્મહત્યા કરી લીધી. તે આત્મહત્યાની ફાઇલ બંધ છે અને સુશાંતની આત્મહત્યાની ઉજવણી કરવામાં આવી રહી છે.

(12:00 am IST)