Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

ગિલગિટ અને બાલ્ટિસ્તાનમાં ૧૮ ઓગસ્ટે ચૂંટણી કરાવશે

પાકિસ્તાનની નવી ચાલ

ઇસ્લામાબાદ : પાકિસ્તાન સરકારે એક નવી ચાલ ચાલી છે, જે અંતર્ગત ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં સામાન્ય ચૂંટણી જાહેર કરી દીધી છે. આ ચૂંટણી ૧૮મી ઓગષ્ટના રોજ યોજાશે. પાકિસ્તાન સરકારે સુપ્રીમ કોર્ટ દ્વારા ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં ચૂંટણી કરાવવાની મંજૂરી આપ્યા બાદ આ જાહેરાત કરવામાં આવી છે. જોકે, ભારતે પાકિસ્તાનના નિર્ણય સામે આકરો વિરોધ જાહેર કર્યો છે. પાકિસ્તાન સુપ્રીમ કોર્ટે ૩૦ એપ્રિલે સરકારને ક્ષેત્રમાં સામાન્ય ચૂંટણી કરાવવા માટે ૨૦૧૮ સરકારી આદેશમાં સંશોધન કરવાની મંજુરી આપી હતી.

                   પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ભવન તરફથી જાહેર કરાયેલા નિવેદન અનુસાર, રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ શનિવારે ગિલગિટ-બાલ્ટિસ્તાન(જીબી)માં ૧૮ ઓગષ્ટ ૨૦૨૦ના રોજ વિધાનસભા ચૂંટણી યોજવાની મંજુરી આપી દીધી છે. નિવેદન અનુસાર,જીબી ચૂંટણી પંચ ૨૪ મતવિસ્તારમાં ચૂંટણી યોજશે. ભારતે ગત મહિને નવી દિલ્હીમાં એક વરિષ્ઠ પાકિસ્તાની રાજદૂતને એક સીમાંકન જાહેર કર્યું અને સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે આકરો વિરોધ નોંધાવ્યો હતો. ભારતે પાકિસ્તાનને એ સ્પષ્ટ રુપે જણાવી દીધું હતું કે જમ્મુ-કાશ્મીર અને લદાખના સંપૂર્ણ કેન્દ્ર શાસિત પ્રદેશ જેમાં ગિલગિટ અને બાલ્ટિસ્તાન ક્ષેત્ર પણ સામેલ છે, આ બંને ક્ષેત્ર ભારતનો અભિન્ન હિસ્સો છે. ભારતીય વિદેશ મંત્રાલયનું કહેવું છે કે પાકિસ્તાન સરકાર કે તેમની ન્યાયપાલિકાની પાસે ગેરકાયદે અને બળજબરીથી કબજાયુક્ત ક્ષેત્રમાં હસ્તક્ષેપ કરવાનો અધિકાર નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનની આ ચાલ સામે ભારતે કૂટનીતિક વિરોધ નોંધાવ્યો છે.

(12:00 am IST)