Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

ચીન સામે આક્રોશમાં ઝોમેટો ઝપટે :ચીનનું રોકાણ મામલે કર્મચારીઓએ ટી-શર્ટ ફાડીને કર્યો વિરોધ

કોલકતામાં કર્મચારીઓએ કહ્યું અમે ભૂખ્યા મરીશું પણ ઝોમેટોમાં કામ નહીં કારણકે તેમાં ચીનનું રોકાણ છે

કોલકતા : ખાણીપીણીના સામાનની ઓનલાઈન ડિલિવરી કરતી કંપની ઝોમેટાના કર્મચારીઓના એક સમૂહે કોલકાતામાં ઝોમેટો કંપનીની ટી-શર્ટ ફાડીને વિરોધ કર્યો. ઝોમેટોમાં ચીનનું રોકાણ હોવાના મુદ્દે ઝોમેટો કંપનીના કર્મચારીઓના એક સમૂહે ઝોમેટોની ટી-શર્ટ સળગાવીને વિરોધ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

લદાખની ગલવાન ઘાટીમાં તારીખ 15 જૂનના રોજ ચીની સૈનિકો સાથેના સંઘર્ષમાં 20 ભારતીય જવાન શહીદ થયા હતા. ઝોમેટોના કેટલાંક કર્મચારીઓએ એ પ્રકારે દાવો કર્યો છે કે તેમણે ઝોમેટોની નોકરી છોડી દીધી છે કારણકે તેમાં ચીનનું રોકાણ છે. વર્ષ 2018માં ચીનની દિગ્ગજ કંપની અલીબાબાના એકમ એન્ટ ફાઈનાન્શિયલે ઝોમેટોમાં 14.7 ટકાની હિસ્સેદારી માટે 21 કરોડ ડોલરનું રોકાણ કર્યું હતું. એન્ટ ફાઈનાન્શિયલે હાલમાં ઝોમેટોમાં 15 કરોડ ડોલરનું રોકાણ કર્યું છે.

એક પ્રદર્શનકારીએ જણાવ્યું કે ચીનની કંપનીઓ ભારતમાંથી નફો કરી રહી છે. જ્યારે અન્ય કર્મચારીએ કહ્યું કે અમે ભૂખ્યા મરીશું પણ ઝોમેટોમાં કામ નહીં કારણકે તેમાં ચીનનું રોકાણ છે. અહીં નોંધનીય છે કે મે મહિનામાં ઝોમેટોએ તેના 13 ટકા કર્મચારીઓની કોરોના વાયરસની મહામારીના કારણે છટણી કરી હતી. પણ, ઝોમેટો તરફથી આ સંબંધિત તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા મળી નથી. સાથે જ તે વાતની પણ કોઈ જાણકારી મળી નથી કે ઝોમેટો વિરુદ્ધ પ્રદર્શન કરનાર કેટલાંક લોકો નોકરીમાંથી નીકાળવામાં આવેલા કર્મચારીઓ તો નથી ને?

(12:00 am IST)