Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

ચીની ઘુસણખોરીના સંકેત લાંબા સમયથી મળી રહ્યા હોવાનો દાવો

ગલવાનમાં જે થયું એ થવાનું હતું: લદ્દાખના નેતાઓ :ચીન સરહદને અડીને રહેતા લોકો કહેવું છે કે ચીનીઓની વધતી હાજરીના લીધે એ પોતાની જમીન ગુમાવી રહ્યા છે

લેહ, તા. ૨૮ : લદાખના સ્થાનિક નેતાઓ અને એક્યુઅલ લાઈન ઓફ કંટ્રોલ(એલએસી)ની પાસે રહેતા ગામવાસીઓનું કહેવું છે કે, ગલવાનમાં જે થયું એ થવાનું જ હતું કેમકે, ચીન દ્વારા આ અંગેની તૈયારીઓ ચાલુ જ હતી. એક સ્થાનિક નેતાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે ચીની સૈન્ય વરસોથી ભારતીય જમીન પર ઘુસણખોરી કરતા રહે છે અને અમે આ મુદ્દે આ વિસ્તાર પર શાસન કરનારી લદાખ સ્વાયત્ત પર્વતીય વિકાસ પરિષદથી લઈને લદાખના ભાજપના સાંસદ જામયાંગ સેરિંગ નામગ્યાલ ઉપરાંત કેન્દ્ર સરકાર સુધી દરેક સ્તર પર ઓથોરિટી કે અધિકારીઓને અમે ચેતવ્યા છે. તેમણે આગળ કહ્યું કે તેમની ચિંતાઓ અને ખતરાની બાબતને વારંવાર નજરઅંદાજ કરી છે. જોકે, લદાખ સ્વાયત્ત પર્વતીય વિકાસ પરિષદના અધ્યક્ષ ગ્યાલ પી વાંગ્યાલનૂં કહેવું હતુંકે પરિષદને કોઈ સ્થાનિક નેતા તરફથી આવી માહિતી મળી નથી.

               ચીન સરહદને અડીને રહેતા લદાખવાસીઓનું કહેવું છે કે છેલ્લા કેટલાય વર્ષોથી ચીનીઓની વધતી ઉપસ્થિતિના કારણે, એ પોતાની જમીન ગુમાવી રહ્યા છે. સ્થાનિક લોકોના હિતોનો મુદ્દો ન્યોમા બ્લોક વિકાસ પરિષદની અધ્યક્ષ ઉરગેન ચોંદોને ઉઠાવ્યો છે, તેમણે છેલ્લા એક વર્ષથી પોતાની ફેસબુક પોસ્ટમાં દાવો કર્યો છે કે ન્યોમા બ્લોકમાં ચીની સૈનિક સતત બંજારા સમુદાયને ધમકાવી રહ્યા છે. ન્યોમા બ્લોક લાઈન ઓફ એક્ચુઅલ કંટ્રોલ(એલએસી)ને અડીને આવેલો છે અને પેંગોન્ગ લેકથી લગભઘ ૬૦ કિલોમીટર દૂર છે. ગલવાન ખીણમાં હુમલાના ચાર દિવસ પહેલાં ૧૧ જૂને તેમણે ૧૧ જુલાઈ ૨૦૧૯ની એક જૂની પોસ્ટ શેર કરી હતી.

                જેમાં લખ્યું હતું કે,ક ચીનની પીપલ્સ લિબરેશન આર્મી, ભારતીય ક્ષેત્રમાં ૬ કિલોમીટર અંદર સુધી, ન્યોમા બ્લોકના ધોલા ગામમાં આવી હતી, જ્યાં ચીને પોતાનો રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો હતો અને દલાઈ લામાના જન્મદિવસ પર સ્થાનિક લોકોને ભારતીય, તિબેટ કે બૌદ્ધ ધ્વજ ફરકાવતા રોક્યા હતા. ફેસબુક પોસ્ટમાં એ લખ્યું છે કે ડિસેમ્બર૨૦૧૯માં તેમણે નજીકની જમીન પર પોતાનો દાવો કર્યો છે. ન્યોમા બ્લોક વિકાસ પરિષદની અધ્યક્ષ ઉરગેન ચોંદોને કહ્યું કે, ફક્ત છેલ્લા બે મહિનામાં જ નહીં પરંતુ હુ ૨૦૧૫થી આ ચિંતા વ્યકત કરી રહી છું. એપ્રિલમાં મેં પોસ્ટ કરી હતી કે અમે ૩૦૦-૩૫૦ ચીની વાહનોનો કાફલો જોયો હતો.

(12:00 am IST)