Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

કેન્દ્ર દ્વારા ઓરિસ્સાને ૫૦૦ કરોડના પેકેજની જાહેરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંગાળ બાદ ઓરિસ્સા પહોંચ્યા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓરિસ્સામાં હવાઈ નિરીક્ષણ કર્યું

ભુવનેશ્વર, તા. ૨૨ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ઓડિશામાં અમ્ફાન ચક્રવાતથી પ્રભાવિત વિસ્તારોનો હવાઈ પ્રવાસ કર્યો. પીએમ મોદીએ તોફાન પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ સમીક્ષા બેઠક યોજી હતી. આ સાથે અમ્ફાન ચક્રવાતમાં, મૃતકોના પરિવારને ૨-૨ લાખ રૂપિયા અને ઘાયલોને ૫૦-૫૦ હજાર રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ બેઠકમાં ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક, કેન્દ્રીય પ્રધાનો ધર્મેન્દ્ર પ્રધાન અને પ્રતાપચંદ્ર સારંગી પણ હાજર હતા. બેઠક બાદ વડા પ્રધાને ઓડિશા માટે ૫૦૦ કરોડના રાહત પેકેજની જાહેરાત કરી. વડા પ્રધાને કહ્યું, 'ભારત સરકાર ઓડિશામાં રાહત કાર્ય માટે ૫૦૦ કરોડની આર્થિક સહાયની ઘોષણા કરે છે. ઓડિશાની આ દુર્ઘટનાને દૂર કરવામાં સરકાર દરેક રીતે મદદ કરશે.

             અસરગ્રસ્ત લોકોના નુકસાન અને પુનર્વસનની આકારણી માટે એક સર્વે કરવામાં આવી રહ્યો છે. વડા પ્રધાને મૃતકોના પરિવારને ૨-૨ લાખ રૂપિયા અને અમ્ફાન ચક્રવાતમાં ઘાયલ લોકોને ૫૦-૫૦ હજાર રૂપિયા આપવાની પણ જાહેરાત કરી છે. આ અગાઉ વડા પ્રધાને પશ્ચિમ બંગાળના ચક્રવાત પ્રભાવિત વિસ્તારોની પણ મુલાકાત લીધી હતી. પીએમ મોદીએ પશ્ચિમ બંગાળમાં રાહત કાર્ય માટે ૧૦૦૦ કરોડ રૂપિયાના ઇમરજન્સી ફંડ બહાર પાડવાની જાહેરાત કરી. તેમજ વડા પ્રધાન રાહત ભંડોળમાંથી દરેકને ૨ લાખ રૂપિયા અને ઘાયલ પરિવારોને ૫૦ હજાર રૂપિયા વળતરની જાહેરાત કરી છે.

(8:24 pm IST)