Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

આસારામ પછી પુત્ર નારાયણ સાંઇના હંગામી જામીન પણ હાઇકોર્ટે નામંજુર કર્યા

અમદાવાદ, તા. ૨૨: કોરોના વાયરસનો કહેર જેલો સુધી પહોંચી ગયો છે. જેથી મોૅટાભાગના કેદીઓ આ રોગચાળામાં તેમના પરિવારોને મદદ કરવા માટે જામીનની માંગ કરી રહ્યા છે. ત્યારે દુષ્કર્મ કેસના દોષિત નારાયણ સાંઈએ પણ ગુજરાત હાઈકોર્ટમાં હંગામી જામીનની માંગ કરી હતી. ત્યારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા આસારામની જેમ પુત્ર નારાયણ સાંઈના પણ જામીન નામંજૂર કરવામાં આવ્યા હતાં.

સુપ્રીમ કોર્ટે જેલોમાં કોરોના વાયરસના સંક્રમણનું જોખમ ઘટાડવા માટે કેદીઓને મુક્ત કરવા માટે સરકારને સલાહ આપી હતી. ત્યારબાદ મોટાભાગના કેદીઓ આ મહામારી દરમિયાન તેમના પરિવારને મદદ કરી શકે તે માટે જામીન માંગી રહ્યા છે. સુરત કોર્ટ દ્વારા દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર કરાયેલા અને આજીવન કેદની સજા ભોગવતા નારાયણ સાંઈએ પણ કોરોના મહામારીમાં તેના પરિવારની મદદ કરી શકે તે માટે જેલ ઓથોરિટીના માધ્યમથી હંગામી જામીન માગ્યા હતા.

જોકે, ન્યાયાધીશ જે.બી.પારડીવાલા અને ન્યાયાધીશ આઈ. જે.વોરાની ખંડપીઠે સાંઈની દલીલથી સહમત ન થતાં મંગળવારે તેણે કરેલી અરજીને ફગાવી દીધી હતી. કોર્ટે જણાવ્યું હતું કે હાલ જેલમાં બંધ નારાયણ સાંઈએ જે કારણ રજૂ કરી હંગામી જામીન માગ્યા છે તેને સ્વીકારી શકાય તેમ નથી.

૩૦ માર્ચે હાઈકોર્ટે આરારામને હંગામી જામીન આપવાનો ઈન્કાર કર્યાે હતો. જેલમાં રહેશે તો તેને કોરોનાનો ચેપ લાગી જશે તેવા ડરથી આસારામ જેલમાંથી છુટવા માગતો હતો. તેણએ દલીલ કરી હતી કે વધુ ઉંમર હોવાને કારણે કોરોનાને લઈને તે અસુરક્ષિત છે. હાલ આસારામ રાજસ્થાનના જોધપુરની જેલમાં કેદ છે. રાજસ્થાન કોર્ટે સગીર પર જાતીય સતામણીના કેસમાં તેને દોષિત જાહેર કર્યાે હતો. ગુજરાતમાં પણ તે બળાત્કારના આરોપોનો સામનો કરી રહ્યો છે અને ગાંધીનગર કોર્ટમાં તેની સામે કેસો ચાલી રહ્યા છે.

(3:47 pm IST)