Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

૨૫મીથી હવાઇ સેવા શરૂ : રાજકોટ બાકાત : ભારે નારાજી

નાગરિક ઉડ્ડયન ખાતાએ જે રૂટ પર સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે તેમાં પોરબંદર - મુંબઇનો સમાવેશ છે પણ રાજકોટનું નામ નથી : રાજકોટ - મુંબઇ વચ્ચે ઘણો એર ટ્રાફિક હોવા છતાં રાજકોટને અન્યાય : મુંબઇ જનારાઓએ પોરબંદર - મુંબઇ ફલાઇટ પકડવી પડે તેવા દિવસો

રાજકોટ તા. ૨૨ : દેશમાં છેલ્લા ૨ મહિનાથી લોકડાઉન ચાલી રહ્યું છે અને હવે ધીમે ધીમે છૂટ આપવામાં આવી રહી છે. જનજીવન પણ ધીમે ધીમે શરૂ થયું છે. ટ્રેનોનું બુકીંગ શરૂ થયું છે. વિમાન સેવા પણ શરૂ કરવાની જાહેરાત થઇ છે. દેશના નાગરિક ઉડ્ડયન ખાતાએ ૨૫મીથી ડોમેસ્ટીક ફલાઇટ ચરણબધ્ધ રીતે શરૂ કરવાના એલાન સાથે હવાઇ રૂટ્સને ૭ સેકશનમાં વ્હેંચવામાં આવ્યા છે. ૨૫મીથી જે ફલાઇટો શરૂ થઇ રહી છે તેમાં પોરબંદર - મુંબઇ હવાઇ સેવાની જાહેરાત થઇ છે પણ રાજકોટને બાકાત રાખી દેવાતા જબરી નારાજગી પ્રવર્તી રહી છે.

રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર ગણાય છે. રાજકોટ વેપાર - ધંધાનું મહત્વનું કેન્દ્ર પણ છે. રોજ રાજકોટ - મુંબઇ વચ્ચે એર ટ્રાફિક પણ સારા પ્રમાણમાં રહેતો હોય છે ત્યારે રાજકોટને એક પણ ફલાઇટ નહિ આપીને રાજકોટને અન્યાય કરવામાં આવ્યો હોવાનું જણાય છે. ૨૫મીથી પોરબંદર - મુંબઇ વચ્ચે એર ઇન્ડિયાની ફલાઇટ શરૂ થઇ રહી છે ત્યારે રાજકોટથી મુંબઇ જવા ઇચ્છુકોએ આ ફલાઇટના પણ બુકિંગ કરાવ્યા હોવાનું જાણવા મળે છે. અમદાવાદ કરતા પોરબંદર પહોંચવું સરળ હોવાથી.

રાજકોટને વિમાન સેવામાં પહેલેથી અન્યાય થઇ રહ્યો છે ત્યારે ચેમ્બર, રાજકીય પક્ષો, નેતાઓ વગેરેએ હવે અવાજ ઉઠાવવો જ રહ્યો તેવી લોકમાંગ છે.

 દેશમાં લગભગ બે મહિના સુધી લોક ડાઉન ચાલ્યા બાદ હવે, દરેક રાજયોમાં ધીમે ધીમે અમુક વિસ્તારોમાં છુટછાટ આપવાની શરૂઆત કરવામાં આવી છે. જેના કારણે દરેક રાજયોમાં ગાડી પાટા પર આવવા ની શરૂઆત થઇ છે, કેન્દ્ર સરકાર દ્વારા રેલ્વેમાં અમુક ટ્રેનો ચલાવવાની વાત કરી હતી. જેના કારણે પરપ્રાંતીયો ને તેમના રાજયોમાં જવા માટે વધુ લાભકારી થઇ પડશે. ટ્રેનોમાં પણ અમુક શરતો પ્રમાણે મંજુરી આપી છે, તેમ હવે કેન્દ્ર સરકાર ની સિવિલ એવિએશન મીનીસ્ટ્રી દ્વારા ૨૫ મે થી દેશભરમાં એરલાઈન્સ ને તબક્કાવાર સર્વિસ શરુ કરવા માટે મંજુરી આપવામાં આવી છે, જેમાં પણ અમુક શરતોને આધીન જ ફલાઈટનું આવાગમન શરુ કરવામાં આવશે.

સિવિલ એવિએશન દ્વારા દરેક રાજયો વચ્ચેના અંતર પ્રમાણે ટીકીટના ભાડાને પણ ૬ સેકટર એટલે કે A થી G સુધીના કલાસમાં વહેચવામાં આવ્યા છે, જે અંતર્ગત A કલાસનું ઓછામાં ઓછુ ભાડું ૨૦૦૦ નક્કી કરવામાં આવ્યું છે અને વધુમાં વધુ ૬૦૦૦ નક્કી કરવામાં આવ્ય છે તેવી જ રીતે G કલાસમાં ઓછામાં ઓછુ ભાડું ૬૫૦૦ નક્કી કરવામાં આવ્યું છે અને વધુમાં વધુ ૧૮,૬૦૦ નક્કી કરવામાં આવ્યું છે, B કલાસમાં ભાડું ૨૫૦૦ થી ૭૫૦૦, C કલાસમાં ભાડું ૩૦૦૦ થી ૯૦૦૦ , D કલાસમાં ભાડું ૩૫૦૦ થી ૧૦,૦૦૦, E કલાસમાં ભાડું ૪૫૦૦ થી ૧૩,૦૦૦, F કલાસમાં ભાડું ૫૫૦૦ થી ૧૫,૭૦૦ નક્કી કરવામાં આવ્યું છે, ફલાઈટ્સ અમદાવાદ, ચેન્નાઈ, બેંગ્લોર, ઇન્દોર, ગોવા, મુંબઈ, દિલ્હી, અને કોલકત્ત્।ા સુધી ફલાઈટ્સ શરુ કરવામાં આવનાર છે, આટલા રાજયો વચ્ચે ફલાઈટ શરૂ કરવામાં આવનાર છે.

અમદાવાદથી મુંબઇ, દિલ્હી, ગોવા સહિતની ફલાઇટ રપમીથી શરૂ

નિયમોની સાથે સાથે લઘુતમ-મહત્તમ ભાડું પણ નક્કી કરાયું

રાજકોટ, તા. રર : દેશભરમાં લગભગ બે મહિના સુધી લોકડાઉન રહ્યા બાદ દેશ હવે સામાન્ય જનજીવન તરફ આગળ વધવાની શરૂઆત કરી રહ્યો છે. ત્યારે રપમી મેથી ડોમેસ્ટિક વિમાન સેવા શરૂ થવા જઇ રહી છે. આ દરમિયાન કેટલાય પ્રકારના નિયમ અને શરતો લાગુ કરવામાં આવ્યા છે, જેનું પાલન કરવું ફરજીયાત છે. જે અનુસાર અમદાવાદના કુલ ટ્રાફીકના ૩૩ ટકા વિમાની સેવા દિલ્હી, જયપુર, ગોવા, મુંબઇ, હૈદરાબાદ વિગેરે સ્થળોએ જવા-આવવા માટે શરૂ થઇ રહી છે. સરકાર દ્વારા ટિકિટોના ભાવની મહત્તમ મર્યાદા નક્કી કરાઇ છે, જેનું પાલન તમામ એરલાઇન્સે કરવાનું રહેશે. સરકારની નવી ગાઇડલાઇન્સ અનુસાર, મુસાફરોએ ફલાઇટના સમયથી બે કલાક પહેલા એરપોર્ટ પહોંચવાનું રહેશે. દરેક વ્યકિતએ આરોગ્ય સેતુ એપ રાખવી ફરજિયાત છે. મુસાફરોએ માસ્ક, ગ્લોવ્સ પહેરવા ફરજિયાત છે, સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન પણ કરવું પડશે. આ ઉપરાંત એરપોર્ટ, વિમાનના કર્મચારીઓએ પીપીઇ કિટ પહેરવાનું રહેશે. ફલાઇટની અંદર પણ કેટલાય પ્રકારની સતર્કતા રાખવામાં આવશે.

હાલ પૂરતો પહેલો તબક્કો ઓગસ્ટ સુધી ચાલશે. દેશભરના રૂટને સાત રૂટમાં વહેંચવામાં આવ્યા છે. જેમાં ૩૦ મિનિટ, ૪૦ મિનિટ, ૬૦ મિનિટ, ૯૦ મિનિટ, ૧ર૦ મિનિટ, ૧પ૦ મિનિટ, ૧૮૦ મિનિટ અને ર૧૦ મિનિટના રૂટ નક્કી કરવામાં આવ્યા છે. ઓગષ્ટ સુધી ટિકિટોના ભાવ નક્કી કરવામાં આવ્યા છે. તમામ એરલાઇન્સ કંપનીઓએ લગભગ ચાલીસ ટકા સીટ મહત્તમ-લઘુત્તમ ભાવની વચ્ચેના ભાવે સીટ આપવી પડશે. વિમાનમાં વચ્ચે સીટ ખાલી રાખવાને લઇને હાલ કોઇ નિયત બનાવાયો નથી, પરંતુ વિમાનમાં દરેક પ્રકારના નિયમોનું પાલન કરવામાં આવશે. કોઇ પણ ફલાઇટમાં ભોજન આપવામાં આવશે નહીં. માત્ર ૩૩ ટકા વિમાનોને ઉડાણ ભરવાની પરવાનગી આપવામાં આવી છે.

(3:11 pm IST)