Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

હવે બ્રાઝીલ બનવા જઇ રહ્યો છે કોરોનાનું હોટસ્પોટ કેન્દ્ર !

એક જ દિવસમાં ૧૭ હજાર નવા કેસ

બ્રાઝિલ, તા. ૨૨: દક્ષિણ અમરિકામાં આવેલો દેશ બ્રાઝિલ હવે કોરોના વાયરસનું કેન્દ્ર બનતો જોવા મળી રહ્યો છે. બ્રાઝિલમાં એક જ દિવસમાં કોરોના વાયરસના ૧૭૪૦૮ નવા કેસ સામે આવ્યા અને ૧૧૭૯ લોકોના મોત થયા. બ્રાઝિલમાં અત્યાર સુધીમાં કોરોના વાયરનાસ કુલ ૨૯૪૧૫૨ કેસ નોંધાયા છે અને કુલ ૧૯૦૩૮ લોકોના મોત થયા છે. બ્રાઝિલમાં હજુ કોરોના વાયરસના કેસ વધશે તેવું માનવામાં આવી રહ્યું છે. ત્યાંના હેલ્થ એક્સપર્ટસના જણાવ્યા અનુસાર બ્રાઝિલમાં જૂન મહિનામાં કોરોના વાયરસના કેસમાં ચિંતાજનક વધારો થશે. બ્રાઝિલમાં ટેસ્ટિંગનું પ્રમાણ ઓછું હોવાને કારણે ત્યાં કોરોના સંકટમાં વધારો થઈ રહ્યો છે.

બ્રાઝિલના ઘણા રાજ્યોમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું પણ ત્યાંના પ્રેસિડેન્ટે જણાવ્યું કે કોરોના વાયરસના કારણે દેશની અર્થવ્યવસ્થા પર ખરાબ અસર પડી રહી છે. ત્યાંની જનતા લોકડાઉનનો વિરોધ કરતા રસ્તા પર ઉતરી આવી હતી. પણ તેઓને એ વાતનો ખ્યાલ નહોતો કે કોરોના વાયરસને કારણે બ્રાઝિલની સ્થિતિ આટલી ખરાબ થઈ શકે છે.

બ્રાઝિલમાં કોરોના વાયરસના કારણે સ્થિતિ એ હદે ખરાબ છે કે હોસ્પિટલના કર્મચારીઓને અલગઅલગ શિફ્ટમાં કામ કરવા માટે એક જ પીપીઈ કિટનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. આ દરમિયાન હેલ્થ કર્મચારીઓમાં પણ કોરોના વાયરસનું જોખમ વધી શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. બ્રાઝિલમાં કોરોના વાયરસના ઇલાજ માટે હવે હોસ્પિટલો ઓછી પડી રહી છે. બ્રાઝિલના ૧.૩ કરોડ લોકો ઝૂંપડપટ્ટીઓમાં રહે છે તેવામાં ત્યાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું અસંભવ લાગી રહ્યું છે.

(2:59 pm IST)