Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

કોરોના દુબઈની ચમક છીનવશે : આગામી છ મહીનામાં 70 ટકા બિઝનેસ થશે બંધ

ટુરિઝમ, રિયલ એસ્ટેટ કંપનીઓ, હોટલ, રેસ્ટોરન્ટ અને રિટેલ ઉદ્યોગોને માઠી અસર

દુબઈ ચેમ્બર ઑફ કૉમર્સના એક સર્વે મુજબ દુબઈમાં  70 ટકા જેટલાં બિઝનેસ આગામી છ મહિનામાં કોરોના વાઇરસની મહામારીના કારણે બંધ થઈ શકે છે.

ગુરુવારે સાંજે આ સર્વેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. એમાં કહેવામાં આવ્યું છે 'દુબઈની 90 ટકાથી વધારે કંપનીઓ પ્રમાણે, 2020ના પહેલાં ત્રિમાસિક ગાળામાં તેમનાં વેચાણ અને ટર્નઓવરમાં ભારે ઘટાડો નોંધાયો છે.'

દુબઈની ચેમ્બર ઑફ કૉમર્સ અનુસાર મહામારીના કારણે થયેલી વૈશ્વિક આર્થિક સંકટની અસર સૌથી વધારે નાના અને સામાન્ય ઉદ્યોગો પર અસર પડી રહી છે.

ટૂરિઝમ સાથે જોડાયેલી મોટા ભાગની કંપનીઓ, રિયલ એસ્ટેટની અડધાંથી વધારે કંપનીઓ હોટલ-રેસ્ટોરાંના માલિક સહિત રિટેલ ઉદ્યોગો સાથે જોડાયેલાં લોકોનું કહેવું છે કે તેમના કામમાં 70 ટકાનો ઘટાડો નોંધાયો છે અને બીજા ત્રિમાસિક ગાળામાં આનું પરિણામ હજુ ભયાનક આવી શકે છે.

સર્વેમાં શામેલ થયેલી 48 ટકા કંપનીઓનું કહેવું છે કે તેમણ આ મહામારીની કર્મચારીઓ પર અસર ન પડે એ માટે પ્રયાસો કર્યા છે.

દુબઈમાં રહેલી કંપનીઓ કોરોના વાઇરસની મહામારીની અસરને ઓછી કરવા માટે કેવા પ્રયત્નો કરી શકાય તે અંગે દુબઈ ચેમ્બર ઑફ કૉમર્સ કેટલાંક સૂચનો પણ કર્યા છે.

સંસ્થાએ કહ્યું છે કે કંપનીઓને કાયદાકીય કાર્યવાહીમાંથી રાહત મળવી જોઈએ, ભાડામાં કેટલીક છૂટ મળવી જોઈએ, આ સાથે જોડાયેલાં સરકારી ખર્ચમાં કેટલોક ઘટાડો કરવામાં આવે આ ઉપરાંત ફી માફી સિવાય તેમને ફાઇનાન્સ આપવાની જરૂરિયાત છે.

સંયુક્ત આરબ અમીરાતમાં ગુરુવારે કોવિડ-19ના કારણે ચાર બીજા લોકોના મૃત્યુ થયા છે.

સ્થાનિક સ્વાસ્થય વિભાગ પ્રમાણે 24 કલાકમાં કોરોના વાઇરસના સંક્રમણના 892 નવા કેસ સામે આવ્યા છે જે મળીને હાલ સુધી સંક્રમણના 27 હજાર કેસની પુષ્ટિ થઈ છે.

(2:08 pm IST)