Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

પાકિસ્તાનથી તીડના જંગી ટોળાનું વ્હેલું આક્રમણ શરૂ

પાકિસ્તાનની સાથે મળી વિડીઓ કોન્ફરન્સીંગ દ્વારા ભારત મિટીંગ યોજી રહ્યાના મળતા નિર્દેશો : તીડ રોજના ૧૫૦ કિ.મી.નું અંતર કાપે છે : ૧ ચો.કી.મી.નું ઝૂંડ રોજ ૩૫૦૦૦ લોકોનું અનાજ ઝાપટી જાય છે

નવી દિલ્હી તા. ૨૨ : સંયુકત રાષ્ટ્ર તરફથી અપાયેલ ચેતવણી પછી ભારત એલર્ટ પર આવી ગયું છે કેમકે પાકિસ્તાન તરફથી આ વર્ષે તીડોના ટોળા વહેલા આવવાનું શરૂ થઇ ગયું છે.

આના લીધે કેન્દ્રીય કૃષિ મંત્રાલયે બોર્ડ પર ડ્રોન, સેટેલાઇટ આધારિત સાધનો, સ્પેશ્યલ ફાયર ટેન્ડર અને સ્પ્રેયર તૈનાત કરી દેવા ઉપરાંત બ્રિટનથી ઉપકરણો આયાત કરવા માટેના જરૂરી પગલા લીધા છે. કૃષિ મંત્રાલયના એક અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે, પાકિસ્તાન સાથે મળીને સંયુકત રણનીતિ ઘડવા માટે વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા મીટીંગ કરવાની તૈયારીઓ ચાલી રહી છે.

ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન (એફએઓ)ના ડેઝર્ટ લોકસ્ટ ઇન્ફોર્મેશન સર્વિસ બુલેટીન અનુસાર તીડ રોજના ૧૫૦ કિલોમીટર ઉંડી શકે છે અને તેનું ૧ ચોરસ કિલોમીટરનું ઝુંડ રોજના ૩૫૦૦૦ માણસ જેટલું ખાઇ જાય છે.

સંયુકત રાષ્ટ્ર અનુસાર ગયા વર્ષથી ચાલુ થયેલ તીડના હુમલાનું કારણ પૂર્વ આફ્રીકા, ભારત, ચીન અને પાકિસ્તાનમાં અવાર-નવાર આવતા વાવાઝોડાના કારણે તેમને પ્રજોત્પતિ માટે યોગ્ય હવામાન પુરૂ પાડે છે. પાકિસ્તાને તો કૃષિ કટોકટી જાહેર કર્યાનું પણ ઉપર જણાવેલ અધિકારીએ કહ્યું હતું.

એક અધિકારીએ જણાવ્યા અનુસાર ગયા વર્ષે ડીસેમ્બરમાં ભારતે પાકિસ્તાની ટીમ સાથે ભારત પાકિસ્તાન સરહદે આવેલ મુનાબાઓમાં અને રાજસ્થાનના બાડમેર જિલ્લાના ખોખાપરમાં આ બાબતે મીટીંગ યોજી હતી. ભારતના ડાયરેકટરેટ ઓફ પ્લાન્ટ પ્રોટેકશનના ડેપ્યુટી ડાયરેકટર કે એલ ગુર્જરે કહ્યું હતું કે ભારત તીડ પર સતત નજર રાખી રહ્યું છે અને જૂનથી સપ્ટેમ્બર સુધીની આખી વાવણીથી લણણીની સીઝન દરમિયાન પાકિસ્તાની પ્રતિનિધિઓ સાથે વાતચીતનો દોર ચાલુ રાખવાનું છે.

સામાન્ય રીતે ચોમાસુ આવતા જ તીડના ટોળા રણમાં નિશ્ચિત જગ્યાએ પ્રજનન માટે જૂન અને જુલાઇમાં આવતા હોય છે પણ આ વર્ષે તેમની હાજરી એપ્રિલમાં જ નોંધવામાં આવી હતી. એક તીડ આગાહી અધિકારીએ ચેતવણી આપતા કહ્યું કે આફ્રીકાના કેન્યા, ઇથીયોપીયા અને સોમાલીયામાં અત્યારે તીડનું પ્રજોત્પતિ કાર્ય ચાલી રહ્યંુ છે અને આગામી સપ્તાહો ત્યાં તીડના ઝુંડ બનવા લાગશે ત્યારે પરિસ્થિતિ ગંભીર બની શકે છે.

(11:36 am IST)