Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

મીઠાના પાણીના કોગળા બચાવશે કોરોનાથી

માસ્કથી જોખમ ૭૫ ટકા સુધી ઘટે છે

નવી દિલ્હી તા.૨૨: શરદી,ઉધરસથી બચવા માટે સામાન્ય રીતે આપણે મીઠાવાળા પાણીના કોગળા કરતા હોઇએ છીએ પણ આ પ્રયોગ  કોરોના વાયરસથી પણ  બચાવી શકે છે.

એડિનબર્ગ યુવિર્સિટીના રિસર્ચરોએ રિસર્ચ પછી આ વાતની પુષ્ટિ કરી છે. તેમના અનુસાર, સતત મીઠાવાળા પાણીના કોગળા કરવાથી બચાવ તો થાય જ છે, જો દર્દીઓને પણ તે આપવામાં આવે તો તેના જલ્દી સાજા થવાની શકયતાઓ વધી જાય છે. જર્નલ ઓફ ગ્લોબલ હેલ્થમાં છપાયેલ આ અભ્યાસ અનુસાર , તેમાં રોગ સામે લડવાની અને સંક્રમણ પર પ્રભાવક અસર કરવાની ક્ષમતા છે.

વૈજ્ઞાનિકોએ કોરોના સંક્રમિત ૬૪ લોકોનો અભ્યાસ કર્યો હતો. તેમાંથી ૩૨ લોકોને રોજ ૧૨ વાર મીઠાના પાણીના કોગળા કરવાની સલાહ અપાઇ હતી અને બાકીના  લોકોનો ઈલાજ  સામાન્ય પધ્ધતિથી કરાયો હતો. તેમને જાણવા મળ્યુ કે જે લોકો  કોગળા કરતા હતા તે અન્ય લોકો  કરતાં ઝડપથી સાજા થયા હતા. તેમનામાં સંક્રમણ અઢી દિવસ વહેલું પુરૂ થયુ હતું.

હોંગકોંગે સ્ટડીઝ ટ્રાન્સમિશનના રિસર્ચમાં દાવો કરાયો છે કે માસ્ક પહેરવાથી સંક્રમણનું જોખમ ૭૫ ટકા ઘટી જાય છે.  તેના અનુસાર , માસ્ક  પહેર્યા વગર જો તમે કોઇ  સંક્રમિતના સંપર્કમાં આવો તો તરત વાયરસની ઝપટમાં આવવાનું જોખમ છે. તેમણે ઉંદરો પર કરેલા અભ્યાસમાં જાણ્યુ કે માસ્ક ન પહેરેલા બે તૃત્યાંશ ઉંદરો એક  અઠવાડીયામાં સંક્રમિત થયા જ્યારે  કેટલાક  ઉંદરોને માસ્ક પહેરાવીને સંક્રમિતોના પાંજરામાં રાખ્યા તો ફકત ૧૬ ટકાને જ સંક્રમણ થયુ હતું.

(11:33 am IST)