Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

અમેરિકામાં ૨૪ કલાકમાં ૧૨૫૫ના મોત : કુલ મૃત્યુઆંક ૯૬,૩૫૪

સંક્રમિતોની સંખ્યા ૧૬ લાખને પાર : દરરોજના ૨૦,૦૦૦ નવા કેસ સામે આવે છે

ન્યૂયોર્ક તા. ૨૨ : અમેરિકામાં કોરોના વાયરસના કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યામાં ગુરૂવારે ફરી એકવાર ઉછાળો આવ્યો છે. ગુરૂવારે ૧૨૫૫ કેસ નોંધાયા છે, અને બુધવારે લગભગ ૧૫૦૦ લોકોના મોત થઈ ગયા હતા, અમેરિકામાં વાયરસથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. પાછલા કેટલાક દિવસોમાં મૃત્યુઆંક ઘણો ઊંચો રહ્યો છે. પાછલા એક અઠવાડિયામાં કોરોના વાયરસના કારણે અહીં ૧૦૦૦ કરતા વધારે લોકોના મોત થઈ રહ્યા છે. જેમાં ફરી એકવાર ઉછાળો આવ્યો છે.

આ સાથે અમેરિકામાં કોરોના વાયરસના કારણે મરનારા લોકોની કુલ સંખ્યા ૯૬,૩૫૪ થઈ ગઈ છે. અમેરિકામાં અત્યાર સુધીમાં ૧૬.૨૦ લાખ કરતા વધારે લોકો કોરોના વાયરસની ચપેટમાં આવી ગયા છે, અહીં રોજ ૨૦,૦૦૦ કરતા વધારે નવા કેસ સામે આવી રહ્યા છે.

દુનિયાભરમાં કોરોના વાયરસના કારણે સંક્રમિત લોકોની સંખ્યા ૫૨ લાખની નજીક પહોંચી ગઈ છે, જયારે કોરોના વાયરસથી અત્યાર સુધીમાં ૩.૩૪ લાખ લોકો જીવ ગુમાવી ચૂકયા છે. રાહતની વાત એ છે કે અત્યાર સુધીમાં ૨૧ લાખ લોકો વાયરસને હરાવીને સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે.

જો પાછલા ૨૪ કલાકની વાત કરીએ તો દુનિયાભરમાં લગભગ ૧ લાખ નવા કેસ નોંધાયા છે. જેમાં રશિયામાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા ૩.૧૭ લાખ થઈ ગઈ છે. અહીં અત્યાર સુધીમાં ૩,૧૦૦ લોકોના મોત થઈ ગયા છે. તો બ્રાઝિલમાં ૩.૧૦ લાખ લોકો છે, જેમાં ૨૦,૦૦૦ કરતા વધારે લોકોનો જીવ ગયો છે. સ્પેનમાં કોરોના વાયરસના ૨.૮૦ લાખ કેસ છે, જયારે ૨૮,૦૦૦ લોકોના મોત થઈ ગયા છે.

(11:23 am IST)