Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

શ્રમિકોની ઘરવાપસી

વિભાજન બાદનું સૌથી મોટુ પલાયન : ૭૦% હજુ ફસાયા

રેલવેએ ૨૦૫૦ શ્રમિક સ્પેશ્યલ ટ્રેનો દોડાવી ૩૦ લાખ લોકોને ઘરે પહોંચાડયા : હજુ લાખો લોકો ટ્રેન - બસની રાહમાં : ગુજરાતથી સૌથી વધુ ૬૩૬ ટ્રેનો દોડી

નવી દિલ્હી તા. ૨૨ : કોરોના મહામારીને કારણે દેશ વિભાજન બાદ સૌથી મોટા પલાયનનો સામનો કરી રહ્યું છે. દેશના વિવિધ રાજ્યોમાં ફસાયેલા મજુરો માટે રેલવેએ અત્યાર સુધીમાં ૨૦૫૦ ટ્રેનો ચલાવી છે છતાં હજુ પણ ૭૦ ટકા લોકો પોતાના ઘરે જવાની રાહ જોઇ રહ્યા છે. અત્રે એ નોંધનિય છે કે દેશમાં લોકડાઉન ૪.૦ ચાલુ છે. જોકે આ ચરણમાં રાજ્યોએ અનેક છૂટછાટ આપી છે પણ જ્યાં સુધી પ્રવાસીઓની વાત છે તો તેમની મુશ્કેલી હજુ ઉભી જ છે.

રેલવેએ ૨૦૫૦ શ્રમિક સ્પે. ટ્રેનો ચલાવી લોકડાઉનને કારણે ફસાયેલા ૩૦ લાખથી વધુ પ્રવાસી મજુરો, છાત્રો અને પર્યટકોને પોતાના ઘર સુધી પહોંચાડયા છે. પણ વિવિધ રાજ્યોમાંથી મળતા આંકડા મુજબ હજુ પણ મોટી સંખ્યામાં લોકો ઘરે પાછા ફરવા ટ્રેનો કે બસની રાહ જોવે છે. મહારાષ્ટ્ર, દિલ્હી, કર્ણાટક, હરિયાણા અને પંજાબથી ફકત ૩૦ ટકા જ પ્રવાસી ઘર પાછા ફરવા સફળ થયા છે.

સૂત્રો કહે છે કે રેલવેએ ૩૦ લાખ પ્રવાસી શ્રમિકોને ઘરે પહોંચાડવા યોજના બનાવી હતી પણ હવે લાગે છે કે, આ સંખ્યા ઘણી વધારે છે. આજ કારણ છે કે રેલવે હેવે માંગ રહેવા સુધી રોજ ૩૦૦ થી ૩૫૦ ટ્રેનો દોડાવવા તૈયાર છે.

ગુજરાતથી ૩૬૩ શ્રમિકો માટે ટ્રેનો ચાલી હતી. મહારાષ્ટ્રમાં ફસાયેલા ૨૦ લાખ શ્રમિકોએ ઘરવાપસી માટે નોંધ કરાવી હતી પણ માત્ર ૫ લાખ જ ઘરે પહોંચી શકયા છે.

દિલ્હીમાં ફસાયેલા ૪ લાખ પ્રવાસીઓએ ઘરવાપસી માટે રજીસ્ટ્રેન કરાવ્યું છે પણ ગઇકાલ સુધી માત્ર ૬૫૦૦૦ લોકો જ ઘરે રવાના થઇ ચૂકયા છે. કર્ણાટકમાં ૭.૮૮ લાખે નોંધણી કરાવી તેમાજંથી માત્ર ૧.૬ લાખ લોકો જ જઇ શકયા છે. હરીયાણામાં ૧૦.૯૩ લાખ શ્રમિકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું તેમાંથી ૨.૦૮ લાખ લોકો જ ઘરે જઇ શકયા છે. પંજાબમાં ૧૭.૧૯ લાખમાંથી ૨.૭ લાખ, કેરળમાં ૨૫ લાખમાંથી ૬૫૦૦૦ પોતાના ઘર જઇ શકયા છે.  રાજસ્થાનથી ૧ લાખ પ્રવાસી ૭૮ ટ્રેન થકી ઘરે રવાના થયા છે. હવે ૪૫૦૦૦ બાકી રહી ગયા છે.

(11:02 am IST)