Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

સાબુથી હાથ ધોવાની સુવિધા ન ધરાવતા ભારતના પાંચ કરોડથી વધુ લોકોને કોરોના થવાની શકયતા

વિશ્વમાં બે અબજ લોકો લોકો એવા છે જેમની પાસે સાબુ અને ચોખ્ખા પાણીની સુવિધા નથી

નવી દિલ્હી, તા. ૨૨: ભારતમાં પાંચ કરોડથી વધારે લોકો પાસે સાબુથી હાથ ધોવાની સુવિધા ન હોવાથી તેમને કોરોના થવાની અને તેમના દ્વારા આ ચેપ ફેલાવવાની વધુ શકયતાઓ રહેલી છે તેમ એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે.

યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટટની ઇન્સ્ટીટયૂટ ફોર હેલ્થ મેટ્રિકસ એન્ડ ઇવેલ્યુશન(આઇએચએમઇ)એ પોતાના સંશોધનમાં જણાવ્યું છે કે વિશ્વમાં બે અબજ લોકો એવા છે જેમની પાસે સાબુ અને ચોખ્ખા પાણીની સુવિધા નથી અને તેમને કોરોના થવાની અને તેમના દ્વારા આ ચેપ વધુ ફેલાવવાની શકયતાઓ વધારે રહેલી છે. આ અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે વિશ્વની ૨૫ ટકા વસ્તી પાસે સાબુ અને ચોખ્ખા પાણીની સુવિધા નથી.

જર્નલ એન્વાયરોમેન્ટલ હેલ્થ પર્સપેકિટવ્સમાં પ્રકાશિત થયેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે સબ સહારન આફ્રિકા અને ઓશિઆનિયાના દેશોની ૫૦ ટકા વસ્તી પાસે સાબુ અને ચોખ્ખા પાણીની સુવિધા ઉપલબ્ધ નથી.

આઇએચએમઇના પ્રોફેસર માયકલ બ્રાઉરે એક નિવેદનમાં જણાવ્યું છે કે કોરોનાનું સંક્રમણ રોકવા માટે સાબુથી હાથ ધોવા એક અગત્યનું પગલું છે. જો કે વિશ્વના કરોડો લોકો પાસે આજે પણ આ સુવિધા ઉપલબ્ધ નથી.

આ અભ્યાસમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે ૪૬ દેશો એવા છે કે જેની ૫૦ ટકા વસ્તી પાસે સાબુથી હાથ ધોવાની સુવિધા ઉપલબ્ધ નથી. ભારત, પાકિસ્તાન, ચીન, બાંગ્લાદેશ, નાઇજિરિયા, ઇથોપિયા, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, ઇન્ડોનેશિયા જેવા દેશોમાં પાંચ કરોડથી વધુ લોકો પાસે સાબુથી હાથ ધોવાની સુવિધા ઉપલબ્ધ નથી.સેનેટાઇઝર્સ અને પાણીની ટ્રકોે હંગામી ઉપાયો છે પરંતુ લાંબા સમય સુધી આ હંગામી ઉપાયો ચાલુ રાખી શકાય તેમ નથી.

જો કે અભ્યાસમાં શાળા, નોકરીના સ્થળો, હેલ્થ કેર સુવિધાઓ સહિતના જાહેર સ્થળોેએ સાબુ અને પાણીની વ્યવસ્થા છે કે નહીં તેનો સમાવેશ કરવામાં આવ્યો નથી. આ મહિનાની શરૂઆતમાં ડબ્લ્યુએચઓએ અંદાજ મૂકયો હતો કે કોરોના મહામારીના પ્રથમ વર્ષમાં આફ્રિકાના દેશોમાં ૧.૯૦ લાખ લોકોના મોત થઇ શકે છે અને ૪.૪ કરોડ લોકોને આ ચેપ લાગી શકે છે.

 

(10:17 am IST)