Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

પિતા પંચરની દુકાન ચલાવે છે :MBA થયેલો પુત્ર પ્રવિણકુમાર બીજીવાર બન્યો ધારાસભ્ય

અન્ના હજારેના આંદોલનથી પ્રભાવિત થઈને નોકરી છોડી કેજરીવાલ સાથે જોડાઈ ગયા

 

નવી દિલ્હી : દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીના પરિણામમાં  આમ આદમી પાર્ટી પ્રચંડ બહુમતની સાથે સરકાર બનાવવા જઈ રહી છે. પાર્ટીને આ વિધાનસભા ચૂંટણીમાં 62 સીટ હાંસલ થઈ છે. ભાજપા પાર્ટીના ખાતામાં માત્ર 8 સીટો જ આવી છે અને કોંગ્રેસ તો ખાતુ પણ ખોલી શકી નહીં. અન્ના આંદોલનથી રાજકીય મેદાનમાં ઉતરનાર અરવિંદ કેજરીવાલ ત્રીજીવાર દિલ્હીના મુખ્યમંત્રી બનશે. અન્ના આંદોલન સમયે ઘણાં લોકો કેજરીવાલ સાથે જોડાયા હતા, જેમનો રાજકારણ સાથે કોઈ સંબંધ નહોતો. તેમાંના જ એક છે પ્રવીણ કુમાર.

પ્રવીણ કુમાર હાલમાં દિલ્હીના જંગપુરાથી ધારાસભ્ય છે.પ્રવીણ કુમાર ભોપાલના રહેવાસી છે. તેમણે 2008માં MBA કર્યા બાદ નોકરી છોડીને દિલ્હી આવવાનો નિર્ણય લીધો હતો. જ્યાં તેમણે 2011માં અન્ના આંદોલનથી પ્રભાવિત થઈને પોતાની નોકરી છોડી દીધી અને અરવિંદ કેજરીવાલની સાથે જોડાયાહતા

અરવિંદ કેજરીવાલે 2015માં દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પ્રવીણ કુમારને જંગપુરાથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. પ્રવીણે પણ પાર્ટીને નિરાશ નહોતી કરી. લગભગ 20 હજાર વોટથી તે જીતીને ધારાસભ્ય બનેલા હતા

 આ વખતે પણ કેજરીવાલે તેમના પર ભરોસો દાખવ્યો હતો. તેમને ફરીથી જંગપુરાની ટિકિટ આપી હતી. આ વખતે પણ પ્રવીણ કુમારે પાર્ટીને જીત અપાવી છે. અને તેઓ બીજીવાર MLA બની ગયા છે.

   બે વારના ધારાસભ્ય પ્રવીણ કુમાર સામાન્ય પરિવારમાંથી આવે છે. તેમના પિતા પીએન દેશમુખ પંચર બનાવવાનું કામ કરે છે. પ્રવીણ કુમારના પિતા ભોપાલના બોગદાપુલની પાસે ટાયર વર્કસના નામે પંચર બનાવવાની દુકાન ચલાવે છે. દીકરાના ધારાસભ્ય બની ગયા પછી પણ તેમની દુકાનમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. હજુ પણ તેમના પિતા પંચર બનાવવાનું કામ કરે છે.

(12:33 am IST)