Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

રાજસ્થાનના કોટાની હોસ્પિટલમાં બેદરકારીનો ચોંકાવનારો કિસ્સોઃ નવજાત બાળકોને ગેસ સિલિન્ડર મારફત ઓક્સિજન આપવાની કામગીરી

કોટા : કોટામાં હોસ્પિટલની બેદરકારીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીંની જાણીતી જેકે લોન હોસ્પિટલમાં નવજાત બાળકોને ગેસ સિલિન્ડર મારફત ઓક્સિજન આપવામાં આવી રહ્યું છે. બાળકોને ઓક્સિજન આપવાની પ્રક્રિયા જોખમી છે કારણ કે એમાં ઓક્સિજન ક્યારે ખતમ થઈ જાય છે એની માહિતી નથી મળી શકતી. આના કારણે ક્યારેય કટોકટીભરી સ્થિતિ પણ ઉભી થઈ શકે છે. જવાબદાર અધિકારીઓ હોસ્પિટલનું અનેકવાર નિરીક્ષણ કરી ચૂક્યા છે પણ ક્યારેય તેમણે વાંધો નથી ઉઠાવ્યો. હોસ્પિટલનું પ્રશાસન પણ ઓક્સિજનની કમીની સ્થિતિમાં સિલિન્ડરથી ગમે તેમ ગાડું ગબડાવી લે છે.

               હોસ્પિટલના એનઆઇસીયુ ઇમરજન્સી વિભાગમાં ગંભીર પરિસ્થિતિના નવજાતને દાખલ કરવામાં આવે છે. અહીં સરેરાશ 30-35 નવજાત બાળકોને રાખવામાં આવે છે. અહીં 24 વોર્મર છે અને એને ઓક્સિજન પાઇપ સાથે જોડવા પડે છે. જોકે, હોસ્પિટલમાં ઓક્સિજન લાઇન નાખવાની યોજના કાગળ પર આગળ વધે છે.

               એનઆઇસીયુમાં ઓક્સિજન સિલિન્ડરથી કામ ચલાવવામાં આવે છે અને અહીં રોજ 10-12 નાના મોટા ઓક્સિજન સિલિન્ડર લગાવવામાં આવે છે. સમસ્યા વિશે મેડિકલ કોલેજના પ્રાચાર્ય ડોક્ટર વિજય સરદાનાનું કહેવું છે કે મને વિશે કોઈ જાણકારી નથી. હવે માહિતી મળતા યોગ્ય પગલાં લેવામાં આવશે.

(4:49 pm IST)