Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

કરતારપુર કોરિડોર અંગે

પાકિસ્તાનનો નાપાક ઇરાદો ખુલ્લો પડયોઃ કોઇ દુઃસાહસ ન કરશો : અમરિન્દર

પાકિસ્તાનના રેલ્વે મંત્રીએ કરતારપુર કોરીડોર આર્મીચીફ બાજવાના મગજની ઉપજ હોવાનું અને તેનાથી ભારતને નુકશાન પહોંચશેનું જણાવેલ

 કરતારપુર કોરિડોર ખોલવા પાછળના પાકિસ્તાનના નાપાક મનસૂબા પાક.ના એક પ્રધાને જાહેર કરતાં પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દરસિંહે રવિવારે જણાવ્યું હતું કે, કરતારપુર કોરિડોર મુદ્દે પાકિસ્તાનના એક પ્રધાને ઇસ્લામાબાદના નાપાક ઇરાદા જાહેર કરી દીધા છે. જોકે, પાકિસ્તાન કોઈ દુઃસાહસ કરવાની કોશિશ ન કરે, એને વળતો જડબાતોડ જવાબ આપવામાં આવશે. શનિવારે પાકિસ્તાનના રેલવે પ્રધાન શેખ રશીદે કહ્યું હતું કે, કરતારપુર કોરિડોર પાકિસ્તાનના આર્મી ચીફ કમર બાજવાના દિમાગની ઉપજ હતી અને એનાથી ભારતને નુકસાન પહોંચશે. આ કોરિડોર ખોલીને બાજવાએ ભારતને એવા દ્યા આપ્યા છે જે એને હંમેશાં યાદ કરશે. જોકે, કોરિડોરના ઉધ્દ્યાટન વખતે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને દાવો કર્યો હતો કે, આ કોરિડોર ખોલવાનો નિર્ણય તેમનો હતો. અમરિન્દરસિંહે કહ્યું હતું કે, આ કોરિડોર શરૂ કરવાના મુદ્દે પાકિસ્તાનના નાપાક ઇરાદા જાહેર થયા છે અને પાકિસ્તાનની વિચારસરણી ખુલ્લી પડી ગઈ છે. આ ખરેખર ચિંતાનો વિષય છે. આ કોરિડોર ખૂલવાથી ભારતની સુરક્ષા અને અખંડતાને ખતરો છે. અમરિન્દરસિંહે કહ્યું હતું કે, એક શીખ હોવાથી હું આ કોરિડોર ખૂલવાથી હું ખુશ છું પણ પંજાબના મુખ્યપ્રધાન તરીકે એણે મારી ચિંતા વધારી દીધી છે. આ કોરિડોર ખોલવા માટે ભલમનસાઈથી અમે જે મંજૂરી આપી છે એને અમારી નબળાઈ સમજવાની પાકિસ્તાન ભૂલ કરે નહીં.

 

(1:06 pm IST)