Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

હવે રાંધણગેસના ભાવ વધ્યા

બીન સબસીડીવાળો બાટલો મોંઘો

નવી દિલ્હી, તા.૨: દેશમાં સરકારી આર્થિક રાહત વિનાના (નોન-સબ્સિડાઇઝડ) રાંધણગેસ, કાંદા સહિત અનેક જીવનાવશ્યક ચીજોના ભાવમાં ભારે વધારો થતાં સામાન્ય નાગરિકોની આર્થિક મુશ્કેલી વધી છે.

દેશમાં આર્થિક વિકાસદર ઘટયો હોવાની, ઔદ્યોગિક ઉત્પાદન ધીમું પડયું હોવાની અને બેરોજગારી વધી રહી હોવાની સરકાર પણ કબૂલાત કરવા લાગી રહી છે.

સરકારી માલિકીની ઇન્ડિયન ઓઇલ કોપોર્રેશન દ્વારા નાઙ્ખન-સબ્સિડાઇઝડ ૧૪.૨ કિલોગ્રામની રાંધણગેસની કોઠીના ભાવ રવિવારે દેશના મહાનગરોમાં સરેરાશ રૂપિયા ૧૫ વધારાયા હતા.

ખનિજ તેલના આંતરરાષ્ટ્રીય ભાવ ઘટયા હોવા છતાં આ સતત ચોથા મહિને રાંધણગેસમાં ભાવ વધારાયો છે. નવા દર પહેલી ડિસેમ્બરથી અમલમાં આવ્યા હતા.

સરકારી આર્થિક રાહત વિનાની રાંધણગેસની ૧૪.૨ કિલોગ્રામની કોઠીના ભાવમાં સૌથી વધુ (રૂપિયા ૧૯.૫૦નો) વધારો કોલકાતામાં થયો છે. ચેન્નઇમાં ગેસ સિલિન્ડરના રૂપિયા ૧૮, મુંબઈમાં રૂપિયા ૧૪ અને દિલ્હીમાં રૂપિયા ૧૩.૫૦ વધ્યા છે. રૂ.૬૮૧.૫૦ હતા એ ૬૯૫ થયા છે.

અગાઉ, ચાર મહાનગરોમાં ૧૪.૨ કિલોગ્રામના નોન-સબ્સિડાઇઝડ સિલિન્ડરના ભાવ ઓકટોબરમાં સરેરાશ રૂપિયા ૧૩.૫ અને નવેમ્બરમાં રૂપિયા ૭૬.૫૦ વધારાયા હતા.

ખનિજ તેલના આંતરરાષ્ટ્રીય ભાવ અને ડોલર સામેના રૂપિયાના વિનિમયદરને ધ્યાનમાં રાખીને સરકારી માલિકીની તેલ કંપનીઓ ઈંધણના ભાવમાં ફેરફાર કરે છે.

ઘરેલુ વપરાશ માટે વર્ષે રાંધણગેસના ૧૨ સિલિન્ડર રાહતદરે અપાય છે, પરંતુ ગેસની કોઠી ખરીદતી વખતે ગ્રાહકે પૂરી રકમ ચૂકવવી પડે છે અને સબસિડીની રકમ ગ્રાહકના બેન્ક ખાતામાં સીધી જમા કરાય છે.

દેશમાં કાંદાના ભાવ પણ ઘણાં વધી ગયા હોવાથી સરકાર તેની વધુ આયાત કરવાનું પણ વિચારી રહી હોવાનું કહેવાય છે.

(10:51 am IST)