Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

મોંઘવારીનો રાક્ષસ ધુણે છે

કઠોળ- ગેસ- પેટ્રોલ- શાકભાજી- ડુંગળી બધુ જ મોંઘુ

સામાન્ય માણસોની એક સાંધો ત્યાં તેર તેટે તેવી સ્થિતિ

મુંબઇ, તા.૨: મુંબઈમાં મોંદ્યવારીએ માજા મૂકી છે. કાંદા, શાકભાજી, ધાન્ય, કઠોળથી લઇને એલપીજી અને પેટ્રોલના ભાવ આસમાને જઇ રહ્યા છે. જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ મોંદ્યી થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું છે. એક સાંધો તો તેર તૂટે એવી સ્થિતિ નિર્માણ થઇ છે. કાંદાની વાત કરીએ તો હોલસેલ માર્કેટમાં જૂના કાંદાના ભાવ રૂ. ૮૦-૯૦ અને નવા કાંદાના ભાવ રૂ. ૬૦-૭૦ છે, જયારે રિટેલ માર્કેટમાં જૂના કાંદા ૧૦૦-૧૨૦ અને નવા કાંદા ૮૦-૧૦૦ના ભાવે વેચાઇ રહ્યા છે. હાલમાં એપીએમસી માર્કેટમાં રોજના ૬૦-૭૦ ટ્રક કાંદાની આવક થાય છે, જયારે શહેરની રોજની ૧૦૦-૧૩૦ ટ્રક કાંદાની જરૂરિયાત છે, એમ એપીએમસી માર્કેટના વેપારીએ જણાવ્યું હતું.

આ અંગે મુલુંડના વર્ષા જોશી નામનાં ગૃહિણીએ જણાવ્યું હતું કે કાંદા એક એવી વસ્તુ છે જે લગભગ તમામ શાકમાં વપરાય છે. કાંદાનો ભાવ આસમાને પહોંચતા હવે તેનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો પડે છે. અમે આવશ્યકતા હોય ત્યાં જ કાંદાનો વપરાશ કરીએ છીએ. શાકભાજી બનાવતી વખતે પણ કાંદાની જગ્યાએ અન્ય પર્યાયનો ઉપયોગ કરીએ છીએ. શાકભાજી માર્કેટમાં ભીંડા, ફણસી, કાકડી, વાલોર, શિમલા મરચાં, ટિંડોળા, રિંગણા, લીલા કાંદા રૂ. ૮૦ પ્રતિ કિલોના ભાવે વેચાઇ રહ્યા છે. મેથીની ઝૂડી રૂ. ૫૦, પાલક ઝૂડી રૂ. ૩૦ અને કોથમીરની ઝૂડી રૂ. ૪૦ના ભાવે વેચાઇ રહી છે. આ વખતે કમોસમી વરસાદને પગલે શાકભાજીના પાકને ભારે નુકસાન થયું હોવાથી બજારમાં તેની આવક દ્યટી છે. એપીએમસી માર્કેટમાં ૭૦૦ ગાડી ભરીને શાકભાજીની આવક થતી હતી, પણ હવે ૪૦૦થી ૫૦૦ ટ્રક શાકભાજીની આવક થઇ રહી છે. આગામી દિવસોમાં શાકભાજીના ભાવ ઓછા થવાના કોઇ અણસાર નથી.

જયશ્રી જૈન નામનાં ગૃહિણીએ જણાવ્યું હતું કે શિયાળામાં લોકો ભરપૂર માત્રામાં લીલા-શાકભાજી ખાય છે. હાલમાં તેના ભાવ વધુ પડતા હોવાથી તેનો વપરાશ મર્યાદિત રીતે કરવો પડે છે. અમારા પરિવારને સામાન્ય રીતે એક કિલો શાકભાજીની દરરોજ આવશ્યકતા પડે છે. શાકભાજી મોંદ્યા થતા અડધો કિલોથી કામ ચલાવવું પડે છે. અન્નધાન્ય અને કઠોળની વાત કરીએ હોલસેલ માર્કેટમાં ઘઉં રૂ. ૨૯, જુવાર રૂ. ૫૦, બાજરી રૂ. ૩૨, ચોખા રૂ. ૨૮-૫૦, મકાઇ રૂ. ૩૦ પ્રતિ કિલોના ભાવે વેચાઇ રહી છે. રિટેલમાં દ્યઉં રૂ. ૪૪, જુવાર રૂ. ૭૦, બાજરી રૂ. ૪૦, ચોખા રૂ. ૩૬-૭૬ અને મકાઇ રૂ. ૪૦ પ્રતિ કિલોના ભાવે વેચાઇ રહી છે. ઉપરાંત મગ, તુવેર, અળદની દાળના ભાવ પણ રૂ. ૧૦૦ની સપાટીને પાર કરી ગયા છે. આ અંગે શારદા રાઠોડ નામનાં ગૃહિણીના જણાવ્યા અનુસાર શાકભાજી કે કાંદા મોંદ્યા થાય તો આપણે તેનો વપરાશ ઓછો કરી શકીએ,પણ ઘઉં, બાજરી, ચોખા જેવા ધાન્ય કેટલા પણ મોંદ્યા થાય આપણે તેના વપરાશમાં કરકસર કરી શકીએ નહીં.

એલપીજી સિલિન્ડરના ભાવ રૂ. ૬૬૫ થઇ ગયા છે, જે ગયા મહિને રૂ. ૬૫૧ હતા. એટલે કે તેમાં રૂ. ૧૪નો વધારો થયો છે. આ સિવાય છેલ્લા અમુક દિવસથી પેટ્રોલના ભાવ પણ સતત વધી રહ્યા છે. મુંબઈમાં રવિવારે પેટ્રોલના ભાવમાં આઠ પૈસાનો વધારો થતા તે રૂ.૮૦.૫૯ પર પહોંચ્યા હતા. દરમિયાન દરરોજ બાળકને લેવા-મૂકવા માટે ટૂ-વ્હિલરનો ઉપયોગ કરનાર એક ગૃહિણીએ જણાવ્યું હતું પેટ્રોલના ભાવ વધતા માસિક ખર્ચમાં વધારો થયો છે. ઉપરથી હવે એલપીજી ગેસના પણ ભાવ પણ વધી ગયા છે. હાલમાં દરેક ચીજ વસ્તુ મોંદ્યી થતા પૈસા કયાં ખર્ચ કરવા અને કયા કરકસર કરવી એ અંગે સો વાર વિચાર કરવો પડે છે.

(10:15 am IST)