Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

દેશમાં ૨૫ વર્ષનું શ્રેષ્ઠ ચોમાસું: ઘઉંનું ફરી વિક્રમજનક ઉત્પાદન થશે

ચાલુ વર્ષ દેશમાં ઘઉંનું ઉત્પાદન ૧૦ કરોડ ટનના લેવલને વટાવી જશે

નવી દિલ્હી, તા.૨: છેલ્લા ૨૫ વર્ષના સૌથી શ્રેષ્ઠ ચોમાસાની સિઝન બાદ ભારતમાં ખેતી અત્યંત સાનુકુળ સિઝન સર્જાઇ છે. જેને પગલે દેશમાં ફરી વખત  ઘઉંનું  વિક્રમજનક ઉત્પાદન થવાની અપેક્ષાઓ વ્યકત કરવામાં આવી છે. નોંધનીય છે કે વર્ષ ૨૦૧૮-૧૯ દરમિયાન દેશમાં ૧૦૨૨ કરોડ ટન ઘઉંનું વિક્રમી ઉત્પાદન થયું હતું.

દેશમાં જૂનથી સપ્ટેમ્બર દરમિયાનની ચોમાસાની સિઝનીમાં લગભગ ૧૦ ટકાથી વધારે વરસાદ પડયો છે. તો કેટલાંક વિસ્તારોમાં તો ઓકટોબર અને નવેમ્બરમાં પણ વરસાદ પડયો છે જેથી રવિ પાકના વાવેતર માટે જમીનમાં ભેજનું સ્તર ઘણું વધી ગયું છે.

જાણકારોના મતે મોટા પ્રમાણમાં સરકારી પ્રાપ્તિની સુવિધા અને હવામાનનો સાથ મળતા ચાલુ વર્ષે ખેડૂતોનું ઘઉંની ખેતી તરફ વધારે ધ્યાન કેન્દ્રિત થઇ રહ્યું છે. કેન્દ્ર સરકારે ચાલુ વર્ષની માટે દ્યઉંનો લઘુત્તમ ટેકાનો ભાવ (MSP) ૪.૬ ટકા વધારીને ૧૯૨૫ રૂપિયા પ્રતિ કિવન્ટલ નક્કી કર્યો છે. ટેકાના ભાવમાં વૃદ્ઘિથી આકર્ષાઇને પણ ખેડૂતો ઘઉંનો વાવેતર વિસ્તાર વધારવા વિચારી રહ્યા છે.

સરકારી સંસ્થાઓએ પણ ઘઉંના ભાવ વધવાની સંભાવના વ્યકત કરી છે. ઘઉં તેમજ જવ વિકાસ કેન્દ્રના ડિરેકટર જ્ઞાનેન્દ્ર સિંહે કહ્યું કે, સારા વરસાદથી ઘઉંનો વાવેતર વિસ્તાર વધશે.  અમે ચોક્કસપણે દ્યઉંનું ઉત્પાદન પાછલા વર્ષ કરતા વધારે વધારે થવાની અપેક્ષા રાખીયે છીએ.

સારા વરસાદથી દેશના જળાશયોમાં પાણીનું સ્તર કુલ ક્ષમતાના ૮૬ ટકા સુધી પહોંચી ગયું છે જયારે વર્ષ પૂર્વે જળસ્તર ૬૧ ટકા અને દસ વર્ષનું સરેરાશ જળસ્તર ૬૪ ટકા છે. અલબત એમએસપીમાં વૃદ્ઘિને લીધે દેશમાંથી ઘઉંની નિકાસમાં ઘટાડો થઇ શકે છે. કારણ કે નવી એમએસપીથી વૈશ્વિક બજારમાં ભારતીય ઘઉંની પડતર ૩૦૦ ડોલર પ્રતિ ટન કરતા વધારે બેસશે જયારે દુનિયાન ઘણા દેશો ૨૫૦ ડોલર પ્રતિ ટન કે તેનાથી પણ પણ નીચા ભાવે ઘઉંનું વેચાણ કરી રહ્યાં છે.

વેપારીઓનું માનવું છે કે, ચોક્કસ ચાલુ વર્ષ દેશમાં ઘઉંનું ઉત્પાદન ૧૦ કરોડ ટનના લેવલને વટાવી જશે પરંતુ તેમાંથી ૧૦ લાખ ટન જેટલી નિકાસ થવી પણ મુશ્કેલ છે. વર્ષ ૨૦૧૮-૧૯માં ભારતમાંથી ૨૨૬૨૨૫ ટન ઘઉંની નિકાસ થઇ છે. જયારે વર્ષ ૨૦૧૨-૧૩માં ૬૫ લાખ ટન ઘઉંની નિકાસ કરાઇ હતી. સરકારી આંકડાઓ મુજબ ૧ નવેમ્બર સુધી દેશમાં ૩.૭૪ કરોડ ટન દ્યઉંનો જથ્થો હતો જે ગત વર્ષની તુલનાએ ૧૩ ટકા વધારે છે.

(10:14 am IST)