Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

હૈદ્રાબાદઃ નરાધમોએ પહેલા પીડિતાને દારૂ પાયો પછી ગેંગરેપઃ ૨૭ કિમી દુર સળગાવી

પીડિતા આજીજી કરતી રહી અને રાક્ષસોએ ૧ કલાક સુધી ભયાનકતા આચરી

હૈદરાબાદ, તા.૨: હૈદરાબાદમાં મહિલા ડોકટર સાથે હેવાનિયતની વિરુદ્ઘ દેશભરમાં પ્રદર્શન થઈ રહ્યું છે. રસ્તાઓ પર ઉતરીને લોકો મહિલા સુરક્ષા પર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. બીજી તરફ પોલીસની તપાસમાં અનેક ખુલાસાઓ થયા છે અને આરોપીઓનો વિડીયો અને કુંડળી સામે આવી ગઈ છે. પોલીસનાં જણાવ્યા અનુસાર ૨૭ નવેમ્બરની રાતનાં મહિલા ડોકટરને ટ્રક ડ્રાઇવર અને તેના સાથીઓએ કિડનેપ કરી. આરોપી પીડિતાને સુમસામ જગ્યા પર લઇ ગયા અને તેને બળજબરીપૂર્વક દારૂ પીવરાવ્યો અને ગેંગરેપની ઘટનાને અંજામ આપ્યો.

એક આરોપીએ મોઢું અને નાક દબાવીને પીડિતાનો જીવ લીધો. ત્યારબાદ ત્યાંથી ૨૭ કિલોમીટર દૂર લઇ જઇને પેટ્રોલ છાંટી તેનો મૃતદેહ સળગાવ્યો. મૃતદેહની બાજુમાં જ પીડિતાનો ફોન, ઘડિયાળ સંતાડી દીધી. ચારેય આરોપીઓ બાળપણનાં દોસ્ત છે. આરોપી મોહમ્મદ આરિફ ટ્રક ડ્રાઇવર છે અને બાકીનાં ત્રણ કિલનર છે. આરોપી મોહમ્મદ આરિફ ૨૬ વર્ષ, શિવા ૨૦ વર્ષ, નવીન કુમાર ૨૦ વર્ષ અને ચેન્ના કેશવલલ્લુ ૨૧ વર્ષની ઉંમરનાં છે. પોલીસનાં જણાવ્યા પ્રમાણે શિવા જ સૌના માટે દારૂ લઇને આવ્યો હતો.

આરિફે પીડિતા સાથે સૌથી પહેલી બળજબરી કરી હતી. આરિફ, નવીન, શિવા ત્રણેયે મળીને પીડિતાને ઉઠાવીને સુમસામ જગ્યાએ લઇ ગયા. આરિફે જ મોઢું દબાવીને હત્યા કરી. તેણે જ પેટ્રોલ છાંટ્યું અને શિવાએ આગ લગાવી. હૈદરાબાદ કેસની તપાસ દરમિયાન જે ખુલાસા થયો છે, તેનાથી એ જ લાગી રહ્યું છે કે દારૂનાં નશામાં આરોપીઓએ આ ખૌફનાક ઘટનાને એ રીતે અંજામ આપ્યો છે જાણે કંઇ થયું જ ના હોય. પોલીસને છોકરીનો દેહ શમશાબાદનાં બહારનાં વિસ્તારમાંથી મળ્યો.

પોલીસની રિમાન્ડ કોપી અનુસાર ૨૭ નવેમ્બરની રાત્રે ૧૦ વાગ્યાથી સવારે ૪ વાગ્યા સુધી સંપૂર્ણ ઘટનાને અંજામ આપ્યો. પોલીસની ચપેટમાં આવેલા ચારેય આરોપીઓને ૧૪ દિવસની રિમાન્ડ પર મોકલ્યા છે. આ કેસની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલશે. ડોકટર સાથે સામૂહિક દુષ્કર્મ અને પછી હત્યા બાદ મૃતદેહ સળગાવવાની ઘટનાથી આખા દેશમાં ગુસ્સો છે. હૈદરાબાદ પોલીસ સ્ટેશનમાં આ ઘટનાનાં આરોપીઓને રાખવામાં આવ્યા, તેની જાણ થતા જ લોકોએ કેટલીક સેકન્ડમાં પોલીસ સ્ટેશન ઘેરી લીધું.

આખા દેશમાં આરોપીઓને ફાંસી આપવાની માંગ ઉઠી છે. દેશની રાજધાની દિલ્લીમાં પણ આ ઘટનાનાં કારણે આક્રોશ છે. આ હૈવાનિયતની વિરુદ્ઘ સંસદની સામે અનુ દુબે નામની એક છોકરી ધરણા પર બેઠી અને રડવા લાગી હતી. અનુ દુબેનાં વિરોધ પ્રદર્શનને નિર્ભયાની માતાએ પણ સાથ આપ્યો છે. નિર્ભયાની માતાએ કહ્યું કે હૈદરાબાદની ઘટનાએ એકવાર ફરી ૨૦૧૨ની યાદ તાજી કરી છે. બોલીવુડનાં અનેક કલાકારોએ ન્યાયની માંગણી કરી છે.(૨૩.૩)

(10:14 am IST)