Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

કયાં છે મંદી ? ગુજરાત-મુંબઈ સહિત દેશના અનેક શહેરોમાં એક જ દિવસમાં ૨૦૦થી વધુ મર્સિડીઝ બેન્ઝ કારની ડીલીવરી થઈ

મુંબઈમાં જ દશેરાએ ૧૨૫થી વધુ મર્સિડીઝ વેંચાઈઃ ગુજરાતમાં ૭૪ કારની ડીલીવરી થઈ : ૩ કરોડની કિંમતની લેમ્બોરગીનીનું વેચાણ પણ વધશેઃ ટાટાની નેનો કાર ૨૦૧૯માં માત્ર ૧ વેચાઈ

મુંબઈ, તા. ૯ :. એવુ કહેવાય છે કે, ઓટોમોબાઈલ સેકટરમાં મંદી છે અને વેચાણમાં સતત ઘટાડો થયો છે, પરંતુ આ તહેવારોની સીઝન પર લકઝરી કાર બનાવતી જર્મનીની કંપની મર્સિડીઝ બેન્ઝએ મુંબઈ, ગુજરાત અને દેશના અન્ય શહેરોમાં એક જ દિવસમાં ૨૦૦થી વધુ કારની ડીલીવરી કરી છે. કંપનીએ જણાવ્યુ છે કે અમે દશેરા અને નવરાત્રી પર બુક થયેલી વિવિધ મોડેલની ૨૦૦થી વધુ કારની ડીલીવરી ગઈકાલે કરી હતી.

કંપનીએ જણાવ્યુ છે કે દશેરાના પ્રસંગે એકલા મુંબઈમાં જ ૧૨૫થી વધુ કારોની ડીલીવરી કરવામાં આવી છે જે અત્યાર સુધીની સૌથી વધુ સંખ્યા છે તો કંપનીએ ગુજરાતમાં ૭૪ કારની ડીલીવરી કરી છે. કંપનીના ભારત ખાતેના વડા માર્ટિને જણાવ્યુ છે કે દશેરાના અને નવરાત્રીમાં મુંબઈ અને ગુજરાતના ગ્રાહકો તરફથી અમને સારો પ્રતિસાદ મળ્યો છે. આવો જ પ્રતિસાદ અમને ૨૦૧૮મા મળ્યો હતો.

પાછલા દિવસોમાં રીપોર્ટ હતો કે લેમ્બોરગીનીના વેચાણમાં આ વર્ષે ૩૦ ટકાનો વધારો થઈ શકે છે. આ કંપની ૬૫ કાર વેંચી શકે છે. આ કારની કિંમત ૩ કરોડથી વધુની છે. ૨૦૧૮માં ભારતમાં આવી ૪૮ કાર વેચવામાં આવી હતી.

તમને જાણીને આશ્ચર્ય થશે કે ૨૦૧૯ના વર્ષમાં માત્ર ૧ નેનો કાર વેચવામાં આવી છે. કંપનીએ એક માત્ર કાર ફેબ્રુઆરીમાં વેચી હતી. પાછલા ૯ મહિનાથી આ કારનું પ્રોડકશન બંધ છે.

(11:31 am IST)