Gujarati News

Gujarati News

News of Sunday, 28th July 2019

ગઈ રાત્રે કોલ્હાપુર જવા રવાના થયેલી મહાલક્ષ્‍મી એક્સપ્રેસ ટ્રેન વાંગણી- બદલાપુર સ્ટેશન વચ્ચે પૂરના પાણીમાં ફસાઈ : ૧૦૫૦ મુસાફરોને હેમખેમ ઉગારવા લેવાયા

નવી દિલ્હી: મુંબઈને ધમરોળતા મેઘતાંડવ વચ્ચે ગઈ રાત્રે કોલ્હાપુર જવા રવાના થયેલી મહાલક્ષ્મી એક્સપ્રેસ ટ્રેન વાંગણી- બદલાપુર સ્ટેશન વચ્ચે પૂરના પાણીમાં ફસાઈ ગઈ હતી. આ ટ્રેનના ૧૦૫૦ મુસાફરોને હેમખેમ ઉગારવા માટે નેવી, એરફોર્સ અને એસડીઆરએફની ટુકડીઓ કામે લાગી ગઈ હતી. બે હેલિકોપ્ટરો અને અનેક રબ્બરની બોટ પાણીમાં ઉતારવામાં આવી હતી. આમ મધ્ય રેલવે તંત્રની બેદરકારીને લીધે બાર બાર કલાકથી અટવાયેલા મુસાફરોનો છૂટકારો થતા તેમણે હાશકારો અનુભવ્યો હતો.

છેલ્લા બે દિવસમાં મુશળધાર વરસાદને કારણે મુંબઈ સહિત થાણે, નવી મુંબઈ, કલ્યાણમાં પણ ઉલ્હાસનદીના પૂરના પાણી ફરી વળ્યા હતા. આ મુશળધાર વરસાદે મુંબઈગરાને ૨૬ જુલાઈ ૨૦૦૫ની યાદ અપાવી દીધી હતી. અંબરનાથમાં આવેલી ઉલ્હાસ નદીમાં મુશળધાર વરસાદને કારણે પૂર આવતા પાણી રેલવે ટ્રેક પર આવી ગયા હતા. ગઈકાલે રાત્રે સીએસએમટી સ્ટેશનથી કોલ્હાપુર જવા નિકળેલી મહાલક્ષ્મી એક્સપ્રેસને પણ વરસાદી વિઘ્ન નડતા તે કલ્યાણથી આગળ વાંગણી પાસે ખોટકાઈ હતી અને ત્યારે વરસાદને કારણે તેમાં ૧૦૫૦ પ્રવાસીઓ ફસાયા હતા.

(12:47 pm IST)