Gujarati News

Gujarati News

News of Sunday, 28th July 2019

રાજકોટના સમણ શ્રુતપ્રજ્ઞજીએ કેનેડાના વેનકુંવરમાં કર્મના સિદ્ધાંતો સમજાવ્યા

રાજકોટ: દરેક વ્યક્તિએ કર્મ કરતાં પહેલા સાવધાન અને સજાગ રહેવું જોઈએ. કર્મોના ફળ બહુ કડવા હોય છે. સમણશ્રીએ કર્મની પરિભાષા આપતા મહેન્દ્ર અને ઉષા મહેતાના ઘરે કહ્યું હતું કે ભાવયુક્ત પ્રવૃત્તિનું પરિણામ એ જ કર્મ છે. ભગવાન મહાવીરની વાણીમાં કહ્યું છે કે પ્રવૃત્તિ કરતી વખતે વ્યક્તિઓનો ભાવ અને હેતુ કેવો છે એના પરથી કર્મોનો બંધ થાય છે. એ જ બંધાયેલા કર્મો સમય જતાં સારા-નરસાં ફળ આપે છે.

આભાર માનવાથી, ક્ષમા રાખવાથી, પરિસ્થિતિઓનો હસતા મોઢે સ્વીકાર કરવાથી, કૃપા પામવાને લાયક બનવાથી અને સંગ્રહની મર્યાદા કરવાથી સંચિત થયેલા અશુભ કર્મો ફળ આપે એના પહેલા તેનો નાશ કરી શકાય છે. વેંકુવરમાં સમણજીએ તા. 18 થી 23 જુલાઈ સુધી સાત પ્રવચનો આપ્યા હતા, ધ્યાન યોગનો અભ્યાસ કરાવ્યો હતો. અનેકો ભાવિકોના ઘરે ધર્મલાભ આપ્યો હતો. 

જોય ટી.વી પર 'કર્મો - હેતુ અને ભાવ' વિષય પર અને રીમઝીમ રેડિયો પર 'સ્વાસ્થ્ય અને જીવન શૈલી' પર તેમને સાક્ષાત્કાર આપ્યો હતો. સત્સંગ ગ્રુપ દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો. જૈન મંદિરના પ્રમુખ વિજય જૈને સમણશ્રીનો પરિચય આપ્યો હતો અને સંચાલક શ્રી મહેન્દ્રભાઈએ  બધાનો આભાર વ્યક્ત કર્યો હતો. સત્સંગ ગ્રુપે પણ ઉષાબેન અને મહેન્દ્રભાઈને  આયોજન બદલ કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરી હતી. 

(10:30 pm IST)