Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

મકાન-દુકાન ભાડે લેવા - દેવાનો મોડેલ કાયદો આવશે

મકાન માલિકે કોઇપણ કામ માટે ઘરે આવવું હોય તો ર૪ કલાકની લેખિત નોટિસ એડવાન્સમાં દેવી પડશેઃ એગ્રીમેન્ટ પુરૂ થયા બાદ જો ભાડુઆત મકાન ખાલી ન કરે તો મકાન માલિકને મળશે બમણુ ભાડુ વસુલવાનો અધિકાર : મકાનના રીનોવેશન બાદ ભાડુ વધારી શકાશેઃ ૩ માસનાં ભાડાથી વધુ સિકયુરીટી ડીપોઝીટ લઇ નહિ શકાય

નવી દિલ્હી તા. ૧૧ :.. મકાન અને દુકાન ભાડા પર લેવા-દેવા માટે મોડલ કાયદો ટૂંક સમયમાં લાવવાની તૈયારીઓ થઇ રહી છે. આ કાયદા પરનું કામ અંતિમ તબક્કામાં છે. ઓગસ્ટ મહિનામાં આ અધિનીયમને કેબિનેટની મંજૂરી મળી શકે છે. આ કાયદા હેઠળ મકાન માલિકને ઘર તપાસવા, રિપેરીંગના કામ અથવા બીજા કોઇ કારણથી જો આવવું હશે તો ભાડુઆતને ર૪ કલાક પહેલા લેખિત જાણ કરવી પડશે.

સુત્રો અનુસાર, ગૃહ પ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં બનાવવામાં આવેલ પ્રધાનોનું એક ગ્રુપ આના પર ઝડપથી કામ કરી રહ્યું છે. પ્રધાનોની આ કમીટીમાં કાયદા પ્રધાન અને આવાસ પ્રધાન પણ સામેલ છે. આ મોડલ રેન્ટ એકટ અધિનીયમ અંગે જૂનમાં બે મીટીંગો થઇ ચૂકી છે. જૂલાઇના અંતમાં ફરીથી મીટીંગ થશે.

ડ્રાફટમાં કહેવાયું છે કે મકાનના માળખાની દેશભાળ માટે ભાડૂત તથા મકાન માલિક બન્ને જવાબદાર ગણાશે. જો મકાન માલિક મકાનમાં કંઇ સુધારો કરાવે તો તેને રીનોવેશનનું કામ પુરૂ થયાના એક મહિના પછી ભાડુ વધારવાની પરવાનગી મળશે. પણ તેના માટે ભાડૂતની સલાહ પણ લેવી પડશે.

આ ઉપરાંત રેન્ટ એગ્રીમેન્ટમાં લખવામાં આવેલ સમય પહેલા ભાડૂતને ત્યાં સુધી મકાનમાંથી કાઢી નહીં શકાય જો તે સતત કેટલાય મહિના સુધી ભાડુ ન ચુકવે અથવા પ્રોપર્ટીનો ગેરઉપયોગ કરી રહ્યો હોય. જો રેન્ટ એગ્રીમેન્ટની સમયસીમા પુરી થયા પછી પણ ભાડૂત મકાન ખાલી ન કરે તો મકાન માલિકને ડબલ ભાડુ માંગવાનો અધિકાર રહેશે.

નવા કાયદાની જોગવાઇઓ

* ૩ મહિનાના ભાડાથી વધારે સીકયોરીટી ડીપોઝીટ નહીં લઇ શકાય.

* મકાન રિનોવેશન પછી ભાડુ વધારી શકાશે.

* વિવાદોથી નિપટવા માટે સ્પેશ્યલ રેન્ટ ટ્રીબ્યુનલ બનાવાશે.

* મકાન ખાલી કર્યા પછી ૧ મહિનામાં સિકયોરીટી ડીપોઝીટ પાછી આપવી પડશે.

 

(10:23 am IST)