Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

હિંમત હોય તો બંગાળથી ચૂંટણી લડી બતાવો

મમતાએ પીએમ મોદીને ફેંકયો પડકારઃ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં તેઓ બંગાળથી ગમે તેટલી બેઠકો પરથી લડીને બતાવે : મમતાએ કહ્યું કે નોટબંધીની જેમ જ મોદી અહીં પણ ફેલ જશે

કોલકાતા તા. ૧૪ : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપ સાથે બાથમબાથી કરવાની પોતાની રણનીતિ જરાય પડતી મૂકવાના મૂડમાં નથી. વર્ષની શરૂઆતમાં જ શારદા કૌભાંડને લઈને સીબીઆઈની ટીમની કાર્યવાહી પર મોટું રાજકીય નાટક ખેલી નાખનારા મમતા, લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ ફરી એકવાર ભાજપ સાથે ભીડવાની કોશિશ કરી રહ્યાં છે. આ વખતે તેમણે ભાજપ  વિરૂદ્ઘ પરોક્ષ રીતે નહી પરંતુ સીધા જ પડકાર ફેંકવાનું મન બનાવી લીધુ છે. તેમણે બુધવારે પીએમ મોદીને સીધે સીધો પડકાર ફેંકી દીધો. તેમણે કહ્યું કે તેમનામાં હિંમત હોય તો ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં તેઓ બંગાળથી ગમે તેટલી બેઠકો પરથી લડીને બતાવે. મમતાએ કહ્યું કે નોટબંધીની જેમ જ મોદી અહીં પણ ફેલ જશે.

પીએમ મોદીના બંગાળથી લોકસભા ચૂંટણી લડવાની શકયતા પર પત્રકારોના સવાલોના જવાબમાં મમતાએ કહ્યું કે કોઈ પણ વ્યકિત કોઈ પણ બેઠકથી ચૂંટણી લડી શકે છે. આ એક લોકતાંત્રિક અધિકાર પણ છે. હું પણ વારાણસીથી ચૂંટણી લડી શકું છું. પરંતુ જો તેઓ બંગાળથી લડે તો તેમની સ્થિતિ નોટબંધી જેવી થશે. તેઓ જનતાની કોર્ટમાં દંડિત થશે. તેમણે કહ્યું કે હું સમજુ છું કે તેમણે દેશને જે નુકસાન પહોંચાડ્યું છે તેના માટે તેમણે લોકોને જવાબ આપવા પડશે. તેઓ લડે, અમને ખુબ આનંદ થશે. જો તેઓને એક સીટથી આશ્વાસન ન મળે તો તેઓ બધી ૪૨ બેઠકો પરથી લડે.

અત્રે જણાવવાનું કે પશ્ચિમ બંગાળમાં લોકસભાની ૪૨ બેઠકો છે. છેલ્લા કેટલાક વર્ષોથી ભાજપ આ રાજયમાં પોતાના મૂળિયા મજબુત કરવામાં લાગ્યું છે. આ જ ક્રમમાં જયાં બંગાળના અનેક જિલ્લાઓમાં જનભાગીદારી અભિયાન ચાલી રહ્યું છે ત્યાં કેન્દ્રથી લઈને પ્રદેશ સ્તર સુધીના ભાજપના નેતાઓ રાજય સરકાર પર પ્રહાર કરવાનું કયાંય ચૂકતા નથી. પશ્ચિમ બંગાળમાં ડાબેરી પાર્ટીઓને હટાવીને સત્તામાં આવેલા મમતા બેનરજી પણ ભાજપને જવાબ આપવામાં પીછેહટ  કરતા નથી. તેઓ લોકસભા ચૂંટણીમાં પણ ભાજપને બરાબર પછડાટ આપવાના ધમપછાડા કરી રહ્યાં છે.

જો કે હાલના દિવસોમાં તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષના અનેક નિવેદનો પણ ખુબ વિવાદાસ્પદ રહ્યાં છે. ગત દિવસોમાં મમતા બેનરજીએ કહ્યું હતું કે લોકસભા ચૂંટણી ભજાપના તાબૂતનો અંતિમ ખિલ્લો હશે. બુધવારે મીડિયા સાથે વાતચીતમાં તેમણે ભાજપને હરાવવાનો દાવો પણ કર્યો. તેમણે કહ્યું કે બંગાળના મતદાન કેન્દ્રો અત્યંત સંવેદનશીલ છે. તેઓ લડે અને પોતાની રાજકીય સેનાઓ લઈને આવે (આરએસએસ, બજરંગ દળ) અને અહીંના ભોજન અને સંસ્કૃતિનો આનંદ લે. જનતા તેમને બાય બાય કહેશે.

(10:37 am IST)
  • પોરબંદર નજીક દરિયામાં શંકાસ્‍પદ બોટ દેખાઇ : તમામ સુરક્ષા એજન્‍સીઓ એલર્ટ મોડ ઉપર access_time 4:10 pm IST

  • સાણંદ, કડી, કલોલના ખેડૂતોએ પાણી પ્રશ્ને સરકાર સામે બાંયો ચડાવી : 'પાણી નહિં, તો મત નહિં'ના નારા લગાવ્યા : ૪૦ ગામના ખેડૂતોમાં ફેલાયો રોષ access_time 6:14 pm IST

  • શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાઈ રહ્યાની અફવા : લોકસભાની ચૂંટણી પહેલા મહેન્દ્રસિંહ ફરી ભાજપમાં જોડાઈ શકે છે access_time 6:15 pm IST