Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

ગરીબો-ખેડૂતો-બેરોજગારોને મળશે ગીફટઃ ખાતામાં આવશે ૩૦,૦૦૦ રૂ.

ગરીબ સવર્ણોને ૧૦ ટકા અનામતનો લાભ આપ્યા બાદ હવે મોદી નવો ધડાકો કરવાના મૂડમાં: મકરસંક્રાંતિ પછી કેબીનેટની બેઠકમાં થશે એલાન : યુનિવર્સલ બેઝીક ઈન્કમ સ્કીમ હેઠળ અપાશે રકમઃ આ સ્કીમ લાગુ થયા બાદ રાશન અને એલપીજી સિલીન્ડર પર મળતી સબસીડીનો ફાયદો નહિ મળે

નવી દિલ્હી, તા. ૧૧ :. ગરીબ સવર્ણોને ૧૦ ટકા અનામતનો લાભ આપ્યા બાદ મોદી સરકાર હવે ખેડૂતો, બેરોજગારો અને ગરીબો માટે ટૂંક સમયમાં ખજાનો ખોલવા જઈ રહી છે. કેન્દ્ર સરકાર આવતી કેબીનેટની બેઠકમાં આ અંગેનું એલાન કરી શકે છે. આ બેઠક મકરસંક્રાંતિ બાદ ૧૬મીએ મળશે. જેમાં વધુ એક માસ્ટર સ્ટ્રોક લગાવવામાં આવશે. જેમાં સરકાર તમામ પ્રકારના ખેડૂતો, બેરોજગારો અને ગરીબ લોકોને એક સાથે ૩૦,૦૦૦ રૂપિયાની મદદ કરવાનું એલાન કરી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ મદદને યુનિવર્સલ બેઝીક ઈન્કમ સ્કીમ હેઠળ આપવામાં આવશે. જો કે આ સ્કીમને લાગુ કરાયા બાદ લોકોને રાશન અને એલપીજી સિલીન્ડર ઉપર મળતી સબસીડી બંધ થશે. તેમા એવા ખેડૂતો પણ સામેલ થશે જે બીજાને ત્યાં મજુરી કરતા હોય. નવા પ્રસ્તાવ અનુસાર ખેડૂતોને ખેતી માટે હવે સરકાર સીધા ખાતામાં પૈસા આપશે. ખાસ વાત એ છે કે જે ખેડૂત પાસે જમીન નથી સરકાર તેમને પણ આ સ્કીમમા સામેલ કરી તેમને ફાયદો પહોંચાડશે. મોદી સરકારનો પ્લાન છે કે રકમ દર મહિનાના બદલે એક સાથે આપવામાં આવે. ખેડૂત પરિવારને પણ મદદ મળી શકશે. સ્કીમમા નાના - સિમાંત ખેડૂતોને કેન્દ્ર સ્થાને રખાશે.

સરકારી નોકરીઓ અને અભ્યાસ માટે સામાન્ય વર્ગના ગરીબ લોકોને ૧૦ ટકા અનામત આપ્યા પછી કેન્દ્ર સરકાર દેશના ગરીબ અને ખેડૂતો માટે મોટાપાયે યોજનાઓ જાહેર કરવા પર વિચાર કરી રહી છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકાર બીપીએલ વર્ગના નાગરીકોને યુનિવર્સલ બેઝીક ઈન્કમ (યુબીઆઈ) દ્વારા એક નિશ્ચિત રકમ સીધી તેના ખાતામાં નાખવાની યોજના વિચારી રહી છે. આ ઉપરાંત ખેડૂતોને પણ સીધો લાભ પહોંચાડવા માટે ડાયરેકટ ઈન્વેસ્ટમેન્ટ સપોર્ટ સિસ્ટમની યોજના શરૂ થઈ શકે છે. યુબીઆઈ હેઠળ સરકાર દેશના દરેક નાગરીકને એક નિશ્ચિત રકમ આપે છે. તેનો ઉદ્દેશ ગરીબી રેખા નીચે જીવતા લોકોને ઉંચા લાવવાનો છે.

સૂત્રો અનુસાર કેન્દ્રની મોદી સરકાર ગરીબી રેખા નીચે જીવતા લોકો માટે યુબીઆઈ હેઠળ ૨૫૦૦ રૂપિયા દર મહિને આપવાની જાહેરાત કરી શકે છે. બીપીએલ વર્ગના લોકોને મળતી બધી સબસીડીઓ જેમાં એલપીજી, ખાવાપીવાની વસ્તુઓ અને બીજા સાધનો સામેલ છે, તે બંધ કરીને તેની રકમ ખાતામાં નાખવામાં આવશે. જાણકારી અનુસાર યુબીઆઈ દ્વારા મળનાર આ રકમથી એક પરિવારના પાંચ સભ્યોની પોષણ વિષયક જરૂરતો પુરી થઈ શકશે. સરકાર આના માટે ૨૦૧૯માં એપ્રિલથી જૂન સુધીના સમયગાળા માટે ૩૨૦૦૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરી શકે છે. દેશમાં બીપીએલ વર્ગના લોકોની સંખ્યા અંદાજે ૨૭.૫ ટકા છે.

આ ઉપરાંત કેન્દ્ર સરકાર ખેડૂતો માટે પણ મોટી ભેટ આપી શકે છે. તેલંગાણાની રીતુ બંધુ સ્કીમની લાઈન પર એક એકરથી ઓછી જમીન ધરાવતા ખેડૂતોને એકર દીઠ ૪૦૦૦ રૂપિયા સીધા ખાતામાં જમા કરાવાશે. આ રકમ રવિ અને ખરીફ પાકના સમયે ખેતીમાં મદદ રૂપે અપાશે. જણાવાઈ રહ્યુ છે કે સરકાર ખેડૂતોને મળતી સબસીડી બંધ કરીને પૈસા સીધા તેમના ખાતામાં જમા કરાવશે. જો કે સ્કીમનું અસલ સ્વરૂપ જુલાઈમાં ખેતી દરમ્યાન સામે આવશે.

આ પ્રસ્તાવમાં બે રાજ્યો ઓડિશા અને તેલંગણા મોડલની ઝલક છે. તેલંગણામાં દરેક કાપણી સીઝન પહેલા ૪૦૦૦ રૂપિયા પ્રતિ એકર આપવામાં આવે છે. જ્યારે ઓડિશામાં પ્રતિ પરિવાર ૫૦૦૦ રૂપિયા ખેડૂતોને આપવાની સ્કીમ છે. આ સ્કીમ હેઠળ ખેડૂતોને સરકારી ખરીદ કિંમત નકકી કરવામાં આવશે.

આ પેકેજમાં વીમા, કૃષિ લોન, આર્થિક મદદ એક સાથે આપવાનો વિચાર થઈ રહ્યો છે. સરકાર વ્યકિતગત ફાયદો આપવાના બદલે પરિવારને મદદ કરવાનો વિચાર કરી શકે છે. આ સ્કીમ હેઠળ ખેડૂત પરિવાર સિવાય વધારે આર્થિક રૂપે પછાત પરિવારોની મદદ કરવાની રણનીતિ બનાવી રહી છે. સ્કીમમાં નાના, સીમાંત અને બટાઈદારો અથવા ભાડુઆતી ખેતી કરતા ખેડૂતોને ફાયદો થાય તેવું અનુમાન છે. આ સ્કીમ હેઠળ ખેડૂતોને ૦ ટકા વ્યાજ પર લોન આપવા પર નિર્ણય લેવામાં આવી શકે છે.

(3:12 pm IST)