Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

૧૦૦ ની નવી નોટમાં ''રાણ કી વાવ'' ને સ્થાન મળ્યું

જાંબલી રંગની નોટનું છાપકામ દેવાસમાં શરૂઃ આગામી મહિને બજારમાં: નવા સુરક્ષા ફીચર હશેઃ ATM માં ૪થી વખત ફેરફાર થશેઃ આકારમાં જૂની નોટથી થોડી નાની અને ૧૦ ની નોટથી સામાન્ય મોટી હશેઃ જૂની નોટો ચાલુ રહેશે

મુંબઇ તા.૧૭: રિઝર્વ બેન્ક ટૂંક સમયમાં જ બજારમાં રૂ. ૧૦૦ની નવી નોટ જાહેર કરશે. નવી નોટનો રંગ જાંબુડિયો હશે અને તેના  પર વૈશ્વિક ધરાહરમાં સામેલ ગુજરાતની ઐતિહાસિક રાણ કી વાવની ઝાંકી જોવા મળશે.

આકારમાં તે જૂની ૧૦૦ની નોટથી થોડી નાની અને ૧૦ની નોટથી સામાન્ય વધારે હશે. જોકે, નવી નોટ જાહેર થયા બાદ પણ જૂની નોટ ચલણમાં ચાલુ રહેશે.

૧૦૦ની નવી પ્રિન્ટીંગ બેન્ક નોટ પ્રેસ દેવાસમાં શરૂ થઇ ગયું છે. નોટની નવી ડિઝાઇનને અંતિમરૂપ મૈસૂરના એ જ પ્રિન્ટીંગ પ્રેસમાં અપાયું છે, જયા ૨૦૦૦ની નોટ છપાય છે.

આ વખતે એક મોટો ફેરફાર એ પણ કરાયો છે કે નવી નોટના પ્રિન્ટીંગમાં સ્વદેશી શાહી અને કાગળનો જ ઉપયોગ થશે.

નવી નોટ આકાર સાથે વજનમાં પણ હળવી હશે. જયાં જૂની ૧૦૦ની નોટના એક બંડલનું વજન ૧૦૮ ગ્રામ હતું, ત્યારે સાઇઝ નાની થવાથી નવી ૧૦૦ની નોટના બંડલનું વજન ૮૦ ગ્રામની આજુબાજુ હશે.

ગુજરાતની પાટણ સ્થિત  રાણ કી વાવનો યુનેસ્કોના ૨૦૧૪માં વિશ્વ વિરાસત સ્થળમાં સમાવેશ કરાયો હતો. વાવ વર્ષ ૧૦૬૩માં ગુજરાતના શાસક ભીમદેવ સોલંકી પ્રથમની સ્મૃતિમાં તેમની પત્ની રાણી ઉદયમતિએ બનાવી હતી.

છેલ્લી સદીમાં પૂરાતત્વ વિભાગ દ્વારા તે શોધી કાઢયા પહેલા લગભગ ૭૦૦ વર્ષ સુધી આ વાવ સરસ્વતી નદીમાં દબાયેલી રહી. નવી નોટમાં સામાન્ય સલામતી ફિચરની સાથે ૧ ડઝન નવા સૂક્ષ્મ સલામતી ફિચરનો ઉમેરો કરવામાં આવ્યો છે, તે માત્ર અલ્ટ્રાવાયોલેટ પ્રકાશમાં જ જોઇ શકાશે.

બેંકોએ તેમના એટીએમની કેશ ટ્રેમાં ફરી એક વખત ફેરફાર કરવો પડશે, જેથી ૧૦૦ ની નવી નોટ મુકી શકાય. ૨૦૧૪ બાદ ચોથી વખત બેંકોએ એટીએમમાં ફરફાર કરશે. (૧.૯)

 

(10:45 am IST)