Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

'એક દેશ, એક ચૂંટણી' : ઇલેકશન કમિશને વધારાના ખર્ચની યાદી તૈયાર કરી

એક સાથે ચૂંટણી યોજવા માટે દરેક મતદાન મથકમાં EVMના બે સેટ રાખવા પડશે

નવી દિલ્હી તા. ૧૧ : 'એક દેશ એક ચૂંટણી' અંગે સરકાર દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં ચૂંટણી પંચે વર્ષ ૨૦૩૪ સુધીમાં યોજાનારી આગામી ચાર ચૂંટણીઓ માટે વધારાની ખર્ચની યાદી તૈયાર કરી છે. ચૂંટણી પંચે જણાવ્યું છે કે, લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે કરાવવાના પ્રસ્તાવનો અમલ કરવા માટે વધારાના ભંડોળની જરૂર પડશે.ચૂંટણી પંચે વિધિ આયોગ દ્વારા મોકલવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં ઉપરોકત માહિતી આપી હતી. ચૂંટણી પંચે સંસદ અને રાજયોની વિધાનસભાના કાર્યકાળમાં એકરૂપતા લાવવા બંધારણમાં સુધારાની જરૂરિયાત પર ભાર મૂકયો છે. અને આમ કરવા પાછળ ખર્ચ થનારા નાણાંકીય પરિણામ અંગે પણ માહિતી આપી છે. ચૂંટણી પંચે જણાવ્યું કે, એકસાથે ચૂંટણી યોજવા માટે દરેક મતદાન મથકમાં EVMના બે સેટ રાખવા પડશે.

ચૂંટણી પંચ અનુસાર ગત અનુભવ પ્રમાણે પ્રથમ તબક્કાના ચેકિંગથી લઈને તૈયારી, પ્રશિક્ષણ, જાગરૂકતા અને મતદાન માટે રિઝર્વ દિવસ તેમજ ખરાબ મશીનોના રિપ્લેસમેન્ટ માટે ૭૧ ટકા મતદાન એકમો, ૨૫ ટકા કન્ટ્રોલ યુનિટ અને ૩૫ ટકા VVPAT ની જરૂર પડશે.

ચૂંટણી પંચે જણાવ્યું કે, એક સાથે ચૂંટણી કરાવવા માટે EVM અને VVPATને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવા ૧૨.૯ લાખ વધારાની બસોની જરૂર પડશે. ઉપરાંત ૧૨.૩ લાખ VVPAT પણ ખરીદવા પડશે. જે માટે કુલ ૪૫૫૪.૯૩ કરોડ રૂપિયાનો ખર્ચ થશે.(૨૧.૨૬)

(3:45 pm IST)