Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

'...તો તારક મહેતા'ના ડો. હાથીનો જીવ બચાવી શકાયો હોત

છેલ્લા ૩-૪ દિવસથી તેમને શ્વાસ લેવામાં તકલીફ

મુંબઇ તા. ૧૧ : કવિ કુમાર આઝાદ જેમને 'તારક મહેતા..'માં ડો. હાથીથી ઓળખવામાં આવે છે તેઓ હવે આપણી વચ્ચે રહ્યા નથી. ડોકટરે કહ્યું કે જો તેમને પહેલા હોસ્પિટલ લાવવામાં આવ્યા હોત તો તેમનો જીવ બચાવી શકાયો હોત. આજે મુંબઈમાં ડો. હાથીનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.

સોમવારે સવારે કાર્ડિયાક અરેસ્ટને કારણે મુંબઈની ખાનગી હોસ્પિટલમાં ડો હાથીનું નિધન થઈ ગયું. હોસ્પિટલના સેન્ટર હેડ રવિ હિરવાનીએ જણાવ્યું કે આઝાદને અંદાજીત બપોરે ૧૨ વાગ્યાને ૧૦ મિનિટ પર હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. તેમના હૃદયના ઘબકારા સંભળાતા નહોતા. એટલા માટે તેમને તુરંત ઈરમજન્સીમાં લઈ જઈ સીપીઆર (કૃત્રિમ રીતે શ્વાસ આપવાની ક્રિયા) આપવાની કોશિશ કરી. જયારે તેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યારે જ ECG રિપોર્ટ ફલેટ હતો અને ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

ડોકટરે કહ્યું કે આઝાદના ભાઈએ જણાવ્યું હતું કે છેલ્લા ૩-૪ દિવસથી તેમને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. તેમને હાઈપરટેંશન અને ઓબ્સટ્રકિટવ સ્લીપ એપનિયા ડિસઓર્ડર (રાત્રે ઊંઘમાં શ્વાસ બંધ થઈ જવું) જેવી મુશ્કેલી થતી હતી. ડોકટેર કહ્યું કે, 'તેઓ લોકલ ચેસ્ટ ફિઝિશનની દેખભાળમાં હતા. જયારે તેમને શ્વાસની સમસ્યા શરૂ થઈ હતી ત્યારે જ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હોત તો અમે તેમનો જીવ બચાવી શકયા હોત'

શોના પ્રોડ્યૂસર અસિત કુમાર મોદીએ જણાવ્યું કે છેલ્લા ઘણા દિવસોથી ડો. હાથીની તબિયત સારી નહોતી. એક વખત તો તેઓ શૂટિંગથી જલદી ઘરે જતા રહ્યા હતા. સોમવારે સવારે ડો. હાથીના ઘરેથી ફોન આવ્યો અને કહ્યું કે તેઓ આજે કામ પર નહીં આવી શકે અને થોડા સમય પછી તેમના નિધનના સમાચાર મળ્યા.(૨૧.૧૦)

(11:36 am IST)