Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

પત્નિ અને વહુને મળતી ગીફટ થવી જોઈએ ટેક્ષ ફ્રીઃ મેનકા ગાંધી

નાણામંત્રી પિયુષ ગોયલ સમક્ષ માંગણી કરીઃ હાલની જોગવાઈઓને કારણે પતિ અને સસરા પરિવારની મહિલાના નામે સંપત્તિ ટ્રાન્સફર કરવાથી ડરી રહ્યા છેઃ આયકર કાનૂની કલમ ૬૪માં ફેરફાર કરવા જણાવ્યું: આજે પરિસ્થિતિ બદલાય હોવાથી ૧૯૬૦માં બનેલા કાયદામાં સંશોધન જરૂરી હોવાનું જણાવ્યું

નવી દિલ્હી, તા. ૧૧ :. મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ કાર્યવાહક નાણામંત્રી પિયુષ ગોયલને આયકર એકટમાં જરૂરી ફેરફાર કરવા માંગણી કરી છે કે જેનાથી પત્નિ અને પુત્રવધુને ઉપહારમાં આપવામાં આવેલ સંપત્તિ પર ટેકસ ન લાગે. મેનકા ગાંધીએ ઈન્કમ ટેક્ષ એકટની કલમ ૬૪માં ફેરફાર કરવાની માગણી કરી છે. જે હેઠળ જો કોઈ માણસ પોતાની પત્નિની સંપત્તિ ભેટમાં આપે તો એ સંપત્તિથી થનારી આવકને પતિની કર યોગ્ય આવકમાં સામેલ ગણવામાં આવેલ.

મેનકા ગાંધીએ કહ્યુ છે કે, હાલની જોગવાઈઓને કારણે પતિ અને સસરા પોતાના પરિવારની મહિલાને નામે સંપત્તિ ટ્રાન્સફર કરવાથી ડરતા હોય છે. આનુ કારણ એ છે કે, તેઓને એ બાબતનો ડર હોય છે કે સંપત્તિથી થનાર આવક તેમના પર બોજો બનશે. ઉપહારમાં સંપત્તિ પર ટેકસ મૂળ સ્વરૂપથી ૧૯૬૦માં તૈયાર કરવામાં આવ્યો હતો. માનવામાં આવતુ હતુ કે, પત્નિ અને પુત્રવધુ પાસે સામાન્ય રીતે કોઈ સ્વતંત્ર આવક નથી હોતી. કેન્દ્રીય મંત્રીએ કહ્યુ હતુ કે, હાલના સમયમાં પરિસ્થિતિ બદલાય છે તેથી એકટની માઠી અસર પડી રહી છે. મહિલાઓ જીવનના દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. હાલના કાનૂનથી પ્રતિકુળ અસર પડી રહી છે. મેનકા ગાંધીએ કહ્યુ છે કે મેં પિયુષ ગોયલને આગ્રહ કર્યો છે કે આયકર એકટમાં ફેરફાર કરે કે જેથી ઉપહારમાં પ્રાપ્ત સંપત્તિથી થનારી આવક પર પત્નિ અથવા ઘરની વહુની જ કર જવાબદારી નક્કી થાય. તેના પતિ કે સસરાને આવી આવક પર કર આપવો ન પડે.(૨-૨)

(10:30 am IST)