Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

સાંજે રાહુલની ઈફતાર પાર્ટીઃ વિપક્ષી એકતાનું થશે પ્રદર્શન

રાષ્ટ્રપતિ ભવનમાં આ વખતે ઈફતાર પાર્ટી યોજવાની નથી એ જોઈને રાહુલે તક ઝડપી લીધીઃ કોંગ્રેસ દ્વારા બે વર્ષ બાદ ઈફતારનું આયોજનઃ છેલ્લે ૨૦૧૫માં સોનિયાએ આપી હતીઃ ઈફતાર પાર્ટીમાં પ્રણવ મુખર્જી હાજર રહેશેઃ શરદ પવાર, દેવગૌડા, મુલાયમ, માયાવતી, અખિલેશ, યૈચુરી, તેજસ્વી યાદવ, ફારૂક અબ્દુલ્લા, તૃણમુલના નેતાઓ વગેરેને આમંત્રણઃ કેજરીવાલને આમંત્રણ નથી

નવી દિલ્હી, તા. ૧૩ :. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે ઈફતાર પાર્ટી આપી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ બન્યા બાદ રાહુલની આ સૌ પહેલી ઈફતાર પાર્ટી છે. એવા કયાસ લગાવવામા આવે છે કે આ પાર્ટી થકી વિપક્ષી એકતા માટેના પ્રયાસો પણ હાથ ધરવામાં આવશે. આ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ તરીકે સોનિયા ગાંધીએ ૨૦૧૫માં ઈફતાર પાર્ટીનું આયોજન કર્યુ હતું.

અહીંની તાજ પેલેસ હોટલમાં થનારી રાહુલની આ ઈફતાર પાર્ટીમાં કોંગ્રેસના નેતાઓ ઉપરાંત વિપક્ષોના અનેક નેતાઓ ભાગ લેશે. મળતા અહેવાલો મુજબ કર્ણાટકના સીએમ કુમાર સ્વામી, જેડીએસના અધ્યક્ષ દેવગૌડા આ ઉપરાંત યુપીના બે મહારથીઓ અખિલેશ યાદવ અને માયાવતી હાજર રહે તેવી શકયતા છે.

કહેવાય છે કે, પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને પણ કોંગ્રેસ તરફથી આ પાર્ટીમાં આવવા માટે કાર્ડ મોકલવામાં આવ્યુ છે. આ ઉપરાંત મુલાયમ યાદવ, શરદ યાદવ, શરદ પવાર, સિતારામ યેચુરી, તેજસ્વી યાદવ પણ સામેલ થાય તેવી શકયતા છે.

કોંગ્રેસે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને પણ આમંત્રણ મોકલ્યુ છે તેઓ પણ હાજર રહે તેવી શકયતા છે. જો કે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને આમંત્રણ આપવામાં આવ્યુ હતુ. આ પાર્ટીમા નેશનલ કોન્ફરન્સના ફારૂખ અબ્દુલ્લા અને ઉંમર અબ્દુલ્લા પણ હાજર રહેશે.

દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા ઈફતારનું આયોજન એવા સમયે કરવામાં આવ્યુ છે કે જ્યારે રાષ્ટ્રપતિ કોવિંદે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાનારી ઈફતારનું આયોજન નહી કરવાનો નિર્ણય લીધો છે. રાષ્ટ્રપતિએ જણાવ્યુ છે કે, રાષ્ટ્રપતિ ભવનમાં કોઈ ધાર્મિક આયોજન નહી કરવામાં આવે.(૨-૩)

(12:40 pm IST)