Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

રાહુલની મંદસૌર રેલીને લઇ કોંગ્રેસની જોરદાર તૈયારી શરૂ

રાહુલ ખેડૂતોની સ્થિતિને સુધારવા મોટી જાહેરાત કરે તેવા સંકેત : મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે રાહુલ પ્રચારનું રણશિંગુ ફૂંકશે : પાર્ટી કાર્યકરો દ્વારા જોરદાર તૈયારીઓ : મધ્યપ્રદેશમાં ખેડૂતોનો મુદ્દો મુખ્ય રહેશે

નવીદિલ્હી, તા.૩ : મધ્યપ્રદેશમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની યોજાનારી છઠ્ઠી જૂનની રેલીને લઇને કોંગ્રેસના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાહુલ ગાંધી મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે આજ દિવસે ચૂંટણી પ્રચારનું રણશિંગુ ફુંકશે. રાહુલ દ્વારા તે દિવસે કિસાન સમૃદ્ધિ સંકલ્પની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. ફિક્સ્ડ આવક સાથે રાજ્યમાં ખેડૂતોની સ્થિતિને સુધારવાની કોંગ્રેસની કોઇ યોજનાની જાહેરાત કરવામાં આવી શકે છે. રાહુલ ગાંધી લોકોને એવા વચન આપી શકે છે કે જો પાર્ટી મધ્યપ્રદેશમાં સત્તા પર આવશે તો કિસાન સમૃદ્ધિ સંકલ્પની જાહેરાત કરવામાં આવશે. રાહુલ દ્વારા પ્રચારને લઇને તૈયારીઓ કરવામાં આવી રહી છે. રાહુલ ગાંધી પ્રચાર દરમિયાન મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા ખેડૂતોના મુદ્દાને જોરદારરીતે ચગાવવા ઇચ્છુક છે. મંદસૌરમાં પોલીસ ગોળીબારમાં પાંચ ખેડૂતોના મોતની પ્રથમ પુણ્યતિથી પણ છઠ્ઠી જૂનના દિવસે આવી રહી છે. આવી સ્થિતિમાં આ મુદ્દાને જોરદારરીતે ઉઠાવવામાં આવી શકે છે. મધ્યપ્રદેશ કોંગ્રેસના તમામ સિનિયર નેતાઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. મધ્યપ્રદેશ એવા રાજ્યો પૈકી એક છે જ્યાં જોરદાર કૃષિ કટોકટી પ્રવર્તી રહી છે. આ રાજ્યમાં બટાકા અને લસણની કિંમતો પાંચ રૂપિયા કરતા પણ ઓછી પહોંચી ગઈ છે. ખેડૂતો ઉપર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરવાની યોજના છે. ગયા વર્ષે ગુજરાતમાં પ્રચાર દરમિયાન આ મુદ્દા પર ધ્યાન આપવામાં આવ્યા બાદ પાર્ટીની સ્થિતિ મજબૂત થઇ હતી. યુવા રોજગાર કિસાન અધિકારનો મુદ્દો સૌરાષ્ટ્રમાં રાહુલ ગાંધીએ ઉઠાવ્યો હતો. ખેડૂતોની માંગણીની રજૂઆત વારંવાર કરી હતી. મધ્યપ્રદેશ કોંગ્રેસના કારોબારી પ્રમુખ જીતુ પટવારીએ કહ્યું છે કે, રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યમાં ખેડૂતોના ભાવિને કોંગ્રેસ બદલવાની કઇ યોજના ધરાવે છે તેની જાહેરાત કરવાનો છે. ખેડૂતો ઉપર દરરોજ દેવાનું બોજ વધી રહ્યું છે પરંતુ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પાંચ રાષ્ટ્રીય કૃષિ કરમણ એવોર્ડ ધરાવવાનો દાવો કરી રહ્યા છે. રાજ્યમાં ખેડૂતો મોટાપાયે ઉત્પાદન કરી રહ્યા છે ત્યારે સરકાર તેમને યોગ્ય નાણા મળે તેવી કોઇ વ્યવસ્થા કરી રહી નથી. ૧૫ જિલ્લાઓને આવરી લેતા માલવા-નિમાડ પ્રદેશમાં હાલત ખુબ જ કફોડી બનેલી છે. ખેડૂતો તેમના પાકને જાહેર રસ્તા પર ફેંકી રહ્યા છે. કારણ કે, સરકાર તરફથી કોઇ મદદ મળી રહી નથી. રાહુલ ગાંધીની આ રેલીને સફળ બનાવવા માટે જંગી લાલચ પણ આપવામાં આવી રહ્યું છે. હાલમાં એવા અહેવાલ પણ આવ્યા હતા કે, મોટી સંખ્યામાં લોકોને રેલીમાં ભેગા કરનારને વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પણ આપવામાં આવશે.

(12:00 am IST)