Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

મુંબઈકર વિશ્વભરમાં સૌથી વધુ કલાક કામ કરી રહ્યા છે

હાલમાં જ કરવામાં આવેલા સર્વેના તારણ જારી : માયાનગરમાં રહેતા લોકો વર્ષમાં ૩૩૧૪.૭ કલાક સુધી કામ કરી રહ્યા છે : રોમ અને પેરિસ શહેર પાછળ : સર્વે

મુંબઇ, તા. ૩ : હાલમાં જ કરવામાં આવેલા નવા સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે, મુંબઈના લોકો દુનિયામાં સૌથી વધારે કલાક સુધી કામ કરે છે. એમ કહેવામાં આવે છે કે માયાનગરી મુંબઈ ક્યારે પણ ઉંઘી જતી નથી. આ મહાનગરમાં મોડી રાત સુધી માર્ગો ઉપર અવરજવર અને લોકલ ટ્રેનોમાં ભીડ સામાન્ય બાબત છે. તાજેતરમાં જ દુનિયાભરના ૭૭ મોટા શહેરોને આવરી લઇને કરવામાં આવેલા સર્વેમાં પણ આ વાત સપાટી ઉપર આવી છે કે, મુંબઈના લોકો દુનિયામાં સૌથી વધારે કલાક સુધી કામ કરનાર લોકો છે. સૌથી વધારે મહેનતુ લોકો મુંબઈના રહ્યા હોવાની વિગતો ખુલી છે. સ્વિસ બેંક યુબીએસ દ્વારા કરાવવામાં આવેલા સર્વેમાં કહેવામાં આવ્યું છે કે, મુંબઈના લોકો દર વર્ષે ૩૩૧૪.૭ કલાક સુધી કામ કરે છે જ્યારે કુલ સરેરાશ ૧૯૮૭ કલાક કામ રહ્યા છે. આવી રીતે  મુંબઈના લોકો યુરોપિયન શહેરો કરતા કામની બાબતમાં ખુબ આગળ રહ્યા છે. રોમ અને પેરિસ જેવા યુરોપિયન શહેરોના લોકોની સરખામણીમાં મુંબઈના લોકો બે ગણુ વધારે કામ કરે છે. રોમમાં લોકો ૧૫૮૧ અને  પેરિસમાં ૧૬૬૨ કલાક કામ કરે છે. જો કે, રસપ્રદ બાબત એ છે કે, મુંબઈના લોકો આટલા કલાક સુધી કામ કરવામાં આવ્યા બાદ પણ કમાણીના મામલામાં પાછળ રહ્યા છે. દાખલા તરીકે જોવામાં આવે તો ન્યુયોર્કમાં કામ કરનાર કોઇ યુવાન ૫૪ કલાક કામ કરીને આઈફોન ખરીદી શકે છે જ્યારે મુંબઈમાં ૯૧૭ કલાક સુધી કામ કર્યા બાદ આઈફોન ખરીદવાની સ્થિતિમાં રહે છે. ન્યુયોર્કની તુલનામાં મુંબઈમાં ભાડા સસ્તા છે. મુંબઈમાં સલુનમાં વાળ કપાવવાનો ખર્ચ ન્યુયોર્કની અપેક્ષા ઓછો છે. કલાકોની દ્રષ્ટિએ કમાણીના મામલામાં જીનેવા, જ્યુરિક ટોપ ઉપર છે જ્યારે મુંબઈ યાદીમાં નીચલી સપાટીથી બીજા નંબરે એટલે કે ૭૬માં ક્રમાંકે છે. મુંબઈથી નીચે એક માત્ર ઇજિપ્ત છે. આ અભ્યાસમાં યુબીએસે ૧૫ પ્રોફેશનલો ઉપર મુખ્યરીતે નજર કરી હતી. આ અભ્યાસમાં ડ્યુરિક સૌથી મોંઘા શહેર તરીકે છે.

ખરીદી ક્ષમતાની દ્રષ્ટિએ લકઝમર્બગ સૌથી આગળ છે. દેશના વાણિજ્ય પાટનગર ગણાતા મુંબઈમાં મોટાભાગે લોકો કામ કરતા નજરે પડે છે. મોડી રાત સુધી કામ ચાલે છે. મુંબઈની લાઇફ લાઈન સમાન ગણાતી ઉપનગરીય સેવામાં પણ લોકો યાત્રા કરતા નજરે પડે છે. સૌથી વધારે મુસાફરી કરતા લોકોની સંખ્યા રેલવેમાં જોઇ શકાય છે. મુંબઈને માયાનગરી તરીકે પણ ઘણા લોકો ગણે છે. દેશના ટોપના ઉદ્યોગપતિઓ, બોલીવુડના કલાકારો અને ક્રિકેટ જગતની હસ્તીઓ પણ મુંબઈમાં રહે છે. દુનિયામાં સૌથી વધારે કામ કરનાર લોકોમાં મુંબઈના લોકો સ્થાન મેળવી ચુક્યા છે.

મુંબઈકર કામમાં આગળ

        મુંબઈ, તા. ૩ : માયાનગરી મુંબઈમાં રહેતા લોકો દુનિયામાં સૌથી વધુ કલાકો સુધી કામ કરનાર લોકો છે. કયા શહેરમાં રહેતા લોકો કેટલા કલાક વર્ષમાં કામ કરી રહ્યા છે તેના ઉપર નજર કરવામાં આવે તો મુંબઈના લોકો સૌથી આગળ રહ્યા છે. મુખ્ય શહેરોમાં કયા શહેરમાં રહેતા લોકો કેટલા કલાક કામ કરી રહ્યા છે તે નીચે મુજબ છે.

શહેર.......................................... વર્ષમાં કલાક કામ

મુંબઈ...................................................... ૩૩૧૪.૭

રોમ............................................................ ૧૫૮૧

પેરિસ  ૧૬૬૨

(12:00 am IST)