Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

અયોધ્યા- જનકપુર બસ યાત્રાઃ થોભો અને રાહ જુઓ

નરેન્દ્રભાઈએ ગત સપ્તાહે જનકપુરથી રામાયણ સર્કીટમાં ચાલનારી આ રૂટની બસને લીલી ઝંડી આપેલઃ ઉત્તર પ્રદેશ અને નેપાળ વચ્ચે ટ્રાન્સપોર્ટેશન મામલે કરાર ન હોવાથી હજુ આ સેવા ચાલુ થતા બે મહીનાનો સમય લાગશેઃ આવતા મહીને બન્ને દેશોની સંયુકત ટ્રાન્પોર્ટેશન સમિતિની બેઠક

 લખનૌ,તા.૧૬: ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યાથી માતા સીતાના જન્મસ્થળ જનકપુરી જવા સીધા બસથી મુસાફરી કરવા ઈચ્છો છો તો તેના માટે તમારે રાહ જોવી પડશે. હજુ આ બસ સેવાને શરૂ થતા લગભગ બે મહિનાનો સમય લાગી શકે તેમ છે. તેનું મુખ્ય કારણ એ છે કે ઉત્તર પ્રદેશ અને નેપાળ વચ્ચે ટ્રાન્સપોર્ટેશન મામલે કોઈ કરાર નથી થયેલ. આવતા મહીને ભારત- નેપાળના ટ્રાન્સપોર્ટ મામલાની સંયુકત સમિતિની બેઠક મળનાર છે, જેમાં આ સેવાને લીલી ઝંડી મળી શકે છે. આ બસ સેવાને નરેન્દ્રભાઈએ ગત સપ્તાહે નેપાળ પ્રવાસ દરમિયાન જનકપુરથી લીલી ઝંડી આપી હતી. જેનું મુખ્યમંત્રી યોગી આદીત્યનાથે અયોધ્યા ખાતે સ્વાગત કરેલ.

આ બસ સેવાથી અયોધ્યાથી સીધા જનકપુર પહોંચવું સરળ બનવાની આશા હતી, પણ જે બસને વડાપ્રધાને લીલી ઝંડી આપી રવાના કરેલ તે નેપાળની બસ હતી. ભારત વતી કોઈ પણ બસ આ રૂટ ઉપર ચાલુ કરવામાં આવી નથી. નેપાળથી રવાના થનાર બસ કયા- કયા દિવસે ચાલશે તેની પણ કોઈ પાસે માહીતી નથી.

ઉત્તર પ્રદેશ ટ્રાન્સપોર્ટેશન નિગમ અયોધ્યાથી જનકપુરી સુધી સીધી બસ સેવાના સંચાલન માટે આવતા મહીને મળનાર ભારત- નેપાળની સંયુકત બેઠકમાં પ્રસ્તાવ મુકનાર છે. જેમાં વિદેશ ખાતાની પરવાનગી લેવી પડશે. સંયુકત સમિતિની બેઠકમાં ગ્રીન સીગ્નલ બાદ ટ્રાન્સપોર્ટ નિગમની પરમીટ લેવી પડશે. ત્યારબાદ આ બસ સેવા ચાલુ થઈ શકશે.(૩૦.૪)

બિહાર સાથે પણ કરાર કરવો પડશે

અયોધ્યાથી જનકપુર બસ સેવા માટે ઉત્તર પ્રદેશે નેપાળની સાથો સાથ બિહાર સાથે પણ કરાર કરવો પડશે. આ બસ ઉત્તર પ્રદેશના બસ્તી, આઝમગઢ, મઉ, ગાઝીપુર, બલીયા, ગોરખપુર થઈને બિહારના બકસર, પટણા, વૈશાલી, દરભંગા, મધુબની, સીતામઢી અને પૂર્વી ચંપારણથી જનકપુર પહોંચશે. તેથી બિહાર સાથે પણ કરાર કરવો પડશે.(૩૦.૪)

(11:48 am IST)