Gujarati News

Gujarati News

News of Thursday, 29th December 2016

૭૦વર્ષ પહેલા ઝવેરચંદ મેઘાણીને 'માણસાઇના દીવા' માટે 'મહિડા પારિતોષિક' એનાયત થયો'તો

સરદાર વલ્લભભાઇ પટેલને પુસ્તક અર્પણ કરાયું'તુ

રાજકોટ તા.૨૯ : ગુજરાતના મૂક સેવક, સમાજ સુધારક, સ્વાતંત્ર્ય-સેનાની, મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલના નિકટના સાથી રવિશંકર વ્યાસ મહારાજના જીવન અને કાર્યને નિરૂપતી કૃતિ માણસાઈના દીવા માટે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને, આજથી ૭૦ વર્ષ પૂર્વે - ૨૯ ડીસેમ્બર ૧૯૪૬નાં રોજ, મહિડા પારિતોષિક એનાયત થયો હતો. વડોદરાના ડાંડિયા બજાર વિસ્તારમાં આવેલ વિઠ્ઠલ ક્રીડા ભવન પ્રાંગણમાં ત્યારે યોજાયેલા વિશેષ કાર્યક્ર્મમાં જાણીતા સાહિત્યકાર રમણલાલ વ. દેસાઈ, માંડવા-ચાણોદ સ્ટેટના કુમાર નરેન્દ્રસિંહ મહીડા ઉપસ્થિત રહ્યા હતા. ઝવેરચંદ મેઘાણીના પુત્ર-બેલડા મસ્તાન-નાનકનો પણ યોગાનુયોગ આ દિવસે ૧૬મો જન્મદિન હતો.

'પુસ્તકોમાં નિરૂપાતું માનવદર્શન આપણને ગમે છે. પણ જયારે એ જ નિરૂપિત માનવી આપણા પ્રત્યક્ષ વ્યવહારમાં આપણી સમક્ષ મૂકાય છે ત્યારે એને આપણી દુનિયાથી જુદી દુનિયાનો ઉતરતી ને અસભ્ય, ગમાર અને ત્યાજય દુનિયાનો આપણે ગણીએ છીએ. રેલગાડીના ડબ્બામાં બિસ્તર પાથરીને આખી પાટલી રોકી બેઠેલો ભણેલો માણસ આ માણસાઈના દીવાની દુનિયાનાં માનવીને પોતાની સામે ડરી, લપાઈ, સંકોડાઈ ઊભાં રહેલાં નિહાળતો હોય છે, છતા બિસ્તરની કોર પણ નથી વાળતો. માણસાઈના દીવાનું અહિ થઈ રહેલું સન્માન આપણને એ કૃતિના રસાનંદમાંથી એમાં રજૂ થયેલ જનતા પ્રત્યેના સ્નેહ તરફ લઈ જાવ તેવી ભાવના રાખું છું.' તેમ ઝવેરચંદ મેઘાણીએ આ પ્રસંગે લાગણી વ્યકત કરી હતી.           

પારિતોષિકની રોકડ રકમનો સવિનય અસ્વીકાર કરતાં ઝવેરચંદ મેઘાણીએ 'આની પર રવિશંકર મહારાજનો જ હક છે' કહીને તે એમને અર્પણ કરી. તો મહારાજે પણ તે સ્વીકારવાની ના પાડતાં કહ્યુ : 'ઔષધિની કિંમત નથી; વૈદની જ કિંમત છે ! વનવગડામાં પડેલી ઔષધિને વૈદ ખોળી કાઢે છે અને એનો ઉપયોગ કરી જાણી છે. ખેડે એની ચીજ કહેવાય. કોઠીમાં દાણો હોય પણ દાટો મારેલો હોય તો તે શા કામનો ? કોઈ પરોપકારી માણસ આવે, રાંધે અને ખવડાવે તો એની તો જ ખરી કિંમત કહેવાય.'

પોતાના સાહિત્યપ્રેમી વડિલ-બંધુ સ્વ. કુમાર મોતીસિંહ મહીડાની સ્મૃતિમાં કુમાર નરેન્દ્રસિંહ મહીડા દ્વારા વર્ષની શ્રેષ્ઠ કૃતિ અને તેનાં કર્તાને 'મહીડા પારિતોષિક' થી સન્માનિત કરાતા હતા. મુંબઈ સ્થિત સંસ્થા 'કલમ મંડળ' તથા તેના સભ્યો ધનસુખલાલ મહેતા, ચંદ્રવદન મહેતા, જયોતીન્દ્ર દવેના આ માટે સૂચન લેવામાં આવતા હતા.

૯ માર્ચ ૧૯૪૭નાં રોજ બોટાદ ખાતે ઝવેરચંદ મેઘાણીનું ૫૦ વર્ષની વયે નિધન થયું. એમનું આખરી સન્માન તે 'મહીડા પારિતોષિક'!

૧૯૪૪માં રવિશંકર મહારાજ અમદાવાદની સાબરમતી જેલમાં હતા, ત્યારે માંદગીને લીધે સિવિલ હોસ્પિટલમાં રખાયેલા. તે અરસામાં ઝવેરચંદ મેઘાણી પણ એકાદ મહિનો અમદાવાદ રહ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં ઝવેરચંદ મેઘાણી મહારાજને મળતા રહ્યા અને તેમનાં અનુભવોની રસપ્રદ વાતો પોતાની ટાંચણપોથીમાં ટપકાવતા ગયા. મહારાજના મુખેથી જે સાંભળ્યું તે પરથી ઝવેરચંદ મેઘાણીએ આલેખ્યું. માનવપાત્રો કલ્પી લીધાં. એ ભોમકા, એ ગામડાં, એ ખેતરાં,  નહેરાં ને કોતરો પણ કલ્પનાસૃષ્ટિમાંથી ઊતાર્યા. પણ એ ધરતી અને ધરતીનાં સંતાન નજરે નિહાળવા જ જોઈએ એવો અહેસાસ થયો. મહીકાંઠો પણ કદી ભાળ્યો ન હતો. મહારાજને વીનવ્યા કે એ પ્રદેશ દેખાડો. મહારાજે નોતરું દીધું ને ૧૯૪૫માં ૧૯થી  ૨૩ માર્ચ, ચાર દિવસ અને પાંચ રાતમાં બોચાસણ, ઝારોળા, રાસ, કણભા, ચાંપોલ, બદલપુર, દહેવાણ, ગોળવા જેવાં મહીકાંઠાનાં પંદરેક ગામ મહારાજ સાથે ફરી વળ્યાં. 'જંગમ વિદ્યાપીઠ' સમાં રવિશંકર મહારાજના મુખેથી સાંભળેલી વાતો અને પ્રવાસકથા બન્નેને સાંકળીને ૧૯૪૫માં માણસાઈના દીવા પુસ્તક પ્રગટ થયું. ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને આ પુસ્તક સાદર અર્પણ કરવામાં આવ્યું હતું જે ખાસ ઉલ્લેખનીય છે.

સંકલન : પિનાકી નાનકભાઈ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન

www.jhaverchandmeghani.com

મોબાઈલ : ૯૮૨૫૦ ૨૧૨૭૯

ઈ-મેઈલઃpinakimeghani@gmail.com

 

(12:02 pm IST)