Gujarati News

Gujarati News

News of Friday, 20th December 2019

ઝારખંડમાં એક્ઝિટ પોલમાં ત્રિશંકુ ચિત્ર જ ઉપસી રહ્યું છે

ભાજપ કરતા કોંગ્રેસ-જેએમએમની મજબૂત સ્થિતિ : કોઇપણ એક્ઝિટ પોલમાં ભાજપને આગળ નહીં દેખાડતા પરિણામ પૂર્વે નિરાશા : ભાજપ સરકાર નહીં જાળવી શકે

રાંચી, તા. ૨૦ : ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એક્ઝિટ પોલના તારણો જારી કરવામાં આવ્યા હતા જેમાં મોટાભાગના એક્ઝિટ પોલમાં કોઇપણ પાર્ટીને બહુમતિ આપવામાં આવી રહી નથી. પાંચ તબક્કાની ચૂંટણી બાદ એક્ઝિટ પોલના તારણ જારી કરાતા ત્રિશંકુ ચિત્ર ઉપસી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી માટે એક્ઝિટ પોલના તારણ નિરાશાજનક દેખાઈ રહ્યા છે. કારણ કે, તેને બહુમતિ મળતી દેખાઈ રહી નથી. કોઇપણ એક્ઝિટ પોલમાં ભાજપને બહુમતિ મળી રહી નથી જેથી ઝારખંડમાં તેની સરકાર જવાના સંકેત દેખાઈ રહ્યા છે. અલબત્ત કોંગ્રેસ-જેએમએમની સ્થિતિ પ્રમાણમાં સારી દેખાઈ રહી છે. આ ગઠબંધનને બહુમતિ મળી શકે છે. કોંગ્રેસ-જેએમએમ અને આરજેડીના ગઠબંધનને બહુમતિ મળી રહી છે.

કોંગ્રેસ, જેએમએમ અને આરજેડીને સાથે મળીને ૪૧ સીટો મળી શકે છે જ્યારે ભાજપને ૨૯ સીટો આપવામાં આવી રહી છે. જેવીએમને ત્રણ સીટ મળી શકે છે. અન્ય એક પોલમાં જણાવવામાં આવ્યું છે કે, કોંગ્રેસ, જેએમએમ અને આરજેડીને ૪૪ સીટ મળી શકે છે. ટાઈમ્સનાઉના એક્ઝિટ પોલમાં કુલ ૮૧ સીટ પૈકી કોંગ્રેસ ગઠબંધનને ૪૪ સીટો આપવામાં આવી રહી છે. આવી જ રીતે ઇન્ડિયા ટુડે એક્સિસના એક્ઝિટ પોલમાં ભાજપને ૩૪ ટકા મત મળી શકે છે જ્યારે કોંગ્રેસ-જેએમએમ અને આરજેડીને ૩૭ ટકા મત મળી શકે છે. ભાજપને ૨૨-૩૨ સીટો આપવામાં આવી રહી છે. ૨૦૧૪માં ભાજપને ૩૭ સીટો મળી હતી. કોંગ્રેસ-જેએમએમ અને આરજેડી ગઠબંધનને ૩૮થી ૫૦ સીટ મળી શકે છે. જો પરિણામો યોગ્ય સાબિત થશે તો કોંગ્રેસ-જેએમએમ ગઠબંધન સરકાર બનાવી લેશે. ઝારખંડમાં બહુમતિ માટેનો આંકડો ૪૧નો રહેલો છે. કોંગ્રેસ ગઠબંધનની લીડ દેખાઈ રહીછે. પરિણામ ૨૩મીએ જાહેર કરાશે.

(9:49 pm IST)