Gujarati News

Gujarati News

News of Wednesday, 20th December 2017

બૂથ લેવલ પર ભાજપને વધુ મજબૂત કરવા મોદીની હાકલ

ભાજપની બેઠક દરમિયાન મોદી ભાવનાશીલ બન્યાઃ પૂર્વ વડાપ્રધાન વાજપેયી, અન્યોને યાદ કર્યા : ભાજપના ગૌરવ અંગે પણ માહિતી આપી : તમામ લોકો ઉપસ્થિત

નવીદિલ્હી, તા.૨૦, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભાજપની બેઠક દરમિયાન ભાવનાશીલ બની ગયા હતા અને ત્રણ વખત ભાવનાશીલ બનતા પાર્ટીના તમામ સભ્યોનું ધ્યાન ખેંચાયું હતું. ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં પાર્ટીની શાનદાર જીત બાદ પ્રથમ વખત ભાજપના સાંસદસભ્યોની બેઠક આજે યોજાઈ હતી જેમાં મોદીનું ઉભા થઇને સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાજપના સાંસદો સાથે વાતચીત કરતા મોદીએ કહ્યું હતું કે, આ ખુબ મોટી જીત છે. અમે હવે ૧૯ રાજ્યોમાં શાસન કરી રહ્યા છે. ઇન્દિરા ગાંધી જ્યારે સત્તામાં હતા ત્યારે ૧૮ રાજ્યોમાં કોંગ્રેસની સરકાર હતી. ૧૯૮૪માં ભાજપની બે સીટોથી લઇને પાર્ટીના અભૂતપૂર્વ ઇતિહાસની વાત મોદીએ સાંસદો સમક્ષ કરી હતી. મોદીએ આ વેળા ભાવનાશીલ બન્યા હતા. સાથે સાથે ભાજપના અગાઉના અને હાલના નેતાઓને યાદ કર્યા હતા. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને પણ યાદ કર્યા હતા. તેમણે યાદ અપાવતા કહ્યું હતું કે, જ્યારે ગુજરાતમાંથી લોકસભાની ચૂંટણીમાં પાર્ટીએ શાનદાર દેખાવ કર્યો ત્યારે વાજપેયીએ તેમને અભિનંદન આપ્યા હતા. તે વખતે તેઓ નવા હતા. સંગઠનમાં પણ વધારે લોકપ્રિય ન હતા. ભાજપ પ્રમુખ અમિત શાહ સાથે તેમની જોડી અંગે પણ વાત કરી હતી અને કહ્યું હતું કે, અમિત શાહ જોરદાર મહેનત કરી રહ્યા છે. ભાજપે છઠ્ઠી વખત ગુજરાતમાં જીત મેળવી છે અને કોંગ્રેસ પાસેથી હિમાચલમાં સત્તા આંચકી લીધી છે. આની સાથે જ ૧૯ રાજ્યોમાં ભાજપની સરકાર થઇ ગઇ છે જેમાં પાંચમાં સાથી પક્ષો સાથે તેની સરકાર બની ગઈ છે. મોદીએ પોતાના સંબોધન દરમિયાન અને કાર્યક્રમ વેળા ત્રણ વખત ભાવનાશીલ દેખાયા હતા. વિરોધીઓ ઉપર પણ પ્રહાર કર્યા હતા. મોદીએ તમામ સાથીઓને અગાઉની ચૂંટણી પહેલા સાવધાની રાખવા અને બિનજરૂરી નિવેદન ન કરવા પણ કહ્યું હતું. ૨૦૧૯ની ચૂંટણી જીતવા માટે ભારતભરમાં ભાજપને બૂથલેવલ પર મજબૂત કરવા હાસલ કરી હતી.

(9:49 pm IST)