Gujarati News

Gujarati News

News of Wednesday, 20th December 2017

પ્રદ્યુમ્ન કેસ : એડલ્ટ તરીકે ખટલો ચલાવવાનો આદેશ

જુએનાઇલ જસ્ટિસ બોર્ડ દ્વારા આદેશ કરાયો : જુએનાઇલ જસ્ટિસ બોર્ડ ચુકાદાનું બધી જગ્યાએ સ્વાગત

નવીદિલ્હી,તા. ૨૦ : ગુરુગ્રામ સ્કૂલના વિદ્યાર્થી પ્રદ્યુમ્ન ઠાકુરની ઘાતકી હત્યાના કેસમાં આરોપી રહેલા ૧૬ વર્ષીય રેયાન ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થી પર એડલ્ટ તરીકે ખટલો ચલાવવામાં આવશે. જુએનાઇલ જસ્ટિસ બોર્ડ દ્વારા આજે આ મુજબનો ચુકાદો આપવામાં આવ્યો હતો. પ્રદ્યુમ્નના પરિવારનું પ્રતિનિધિત્વ કરી રહેલા વકીલ સુશીલ ટકરીવાલે જણાવ્યું હતું કે, આરોપી સામે એડલ્ટ તરીકે ખટલો ચલાવવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, કાર્યવાહી દરમિયાન દોષિતને પુખ્તવયના વ્યક્તિ તરીકે ગણવામાં આવશે. આ નિર્ણય લેવા બદલ અમે ન્યાયતંત્રનો આભાર માનીએ છીએ. તેમણે એમ પણ કહ્યું હતું કે, આ કેસ ખુબ જ સંવેદનશીલ કેસ છે. બીજી બાજુ પ્રદ્યુમ્નના પિતા વરુણ ઠાકોરે પણ આકરી પ્રતિક્રિયા આપી છે. અત્રે નોંધનીય છે કે, બીજા ધોરણમાં અભ્યાસ કરનાર પ્રદ્યુમ્નને ૮મી સપ્ટેમ્બરના દિવસે પોતાની સ્કૂલમાં વોશરુમની અંદર મૃતહાલતમાં મળી આવ્યો હતો. સાત વર્ષીય બાળકની ઘાતકી હત્યાના મામલામાં ૮મી નવેમ્બરના દિવસે પ્રદ્યુમ્નની સ્કૂલના વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઈ દ્વારા પોતાના હાથમાં આ કેસ લીધા બાદ આ ધરપકડ કરાઈ હતી. ૧૧માં ધોરણના વિદ્યાર્થીએ અભ્યાસમાં નબળો હોવાની ગણતરીથી સ્કૂલમાં રજા જાહેર થાય તે હેતુસર પ્રદ્યુમ્નની હત્યા કરી હતી. પુછપરછ દરમિયાન આ વિદ્યાર્થીએ ગુનો કબૂલી લીધો હતો. જો કે, ૧૧માં ધોરણમાં અભ્યાસ કરનાર આ વિદ્યાર્થીના પરિવારના સભ્યોએ કહ્યું છે કે, તે નિર્દોષ છે. ૧૬ વર્ષીય વિદ્યાર્થીની ધરપકડ બાદ ભોગ બનેલા બાળકના માતા-પિતાએ માંગ કરી હતી કે, બાળકના હત્યારા સામે પુખ્તવયના વ્યક્તિ તરીકે ખટલો ચલાવવો જોઇને અને તેને સજા કરવી જોઇએ.

(8:22 pm IST)