Gujarati News

Gujarati News

News of Wednesday, 20th December 2017

શેરબજારમાં તેજી ઉપર અંતે બ્રેકઃ સેંસેક્સમાં ઘટાડો થયો

સેંસેક્સ ૫૯ પોઇન્ટ ઘટીને ૩૩૭૭૭ની સપાટીએ : નિફ્ટીમાં ૧૯ પોઇન્ટ ઘટી ૧૦૪૪૪ની નીચી સપાટીએ

મુંબઇ,તા. ૨૦ : શેરબજારમાં આજે ભારે અફડાતફડીનો દોર રહ્યો હતો. કારોબારના અંતે સેંસેક્સ ૫૯ પોઇન્ટ ઘટીને ૩૩૭૭૭ની નીચી સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૧૯ પોઇન્ટ ઘટીને ૧૦૪૪૪ની નીચી સપાટીએ રહ્યો હતો. શેરબજારમાં અફડાતફડીના દોર માટે કેટલાક કારણો જવાબદાર રહ્યા છે. બેંચમાર્ક ઇન્ડેક્સ આજે શરૂઆતી કારોબારમાં નવેસરથી ઉંચી સપાટીએ પહોંચ્યા બાદ ઘટાડા સાથે બંધ રહ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપની બે રાજ્યોમાં જીતથી કારોબારીઓ આશાવાદી દેખાઈ રહ્યા છે. હવે સંપૂર્ણ ધ્યાન બજેટ ઉપર કેન્દ્રિત કરી દેવામાં આવ્યું છે. એસ્ટ્રોન પેપરના આઇપીઓ દ્વારા ૭૦ કરોડ રૂપિયા ઉભા કરી લેવામાં આવ્યા છે. ગઇકાલે મંગળવારના દિવસે તેજી રહી હતી. કારોબારના અંતે મંગળવારના દિવસે સેંસેક્સ ૨૩૫ પોઇન્ટ અને નિફ્ટી ૮૩ પોઇન્ટના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. બીએસઈ સેંસેક્સમાં સોમવારથી વડાપ્રધાન મોદીના નેતૃત્વવાળી ભાજપની ગુજરાત અને હિમાચલમાં બહુમતિ નોંધાતા તેજીનો જુવાળ જોવા મળી રહ્યો હતો. સંસદનું શિયાળુ સત્ર શરૂ થઇ ચુક્યું છે. આ સત્ર દરમિયાન ચાવીરુપ બિલ રજૂ કરવામાં આવનાર છે. આમા ૧૪ સેશન ચાલનાર છે.  સરકાર દ્વારા આ સત્ર દરમિયાન ફાઈનાન્સિયલ ઇન્સ્યોરન્સ બિલ રજૂ કરવા માટે તૈયારી કરવામાં આવી છે. વૈશ્વિક ઘટનાક્રમની અસર પણ જોવા મળી શકે છે. યુએસ જીડીપીના ડેટા ગુરુવારના દિવસે જારી કરવામાં આવનાર છે. આ ઉપરાંત ક્રૂડની કિંમતોમાં ઉતારચઢાવ માર્કેટની દિશા નક્કી કરવામાં ભૂમિકા ભજવી શકે છે. શેરબજારમાં હવે તેજી જારી રહી શકે છે. કારણ કે આર્થિક સુધારાની ગતિ વધુ ઝડપથી વધી શકે છે. સરકારને આર્થિક સુધારા, નોટબંધી, જીએસટીના મુદ્દે લોકોની નારાજગી હોવા છતાં જીત મળી ગઈ છે. જેથી આગામી દિવસોમાં અને સંસદના શિયાળુ સત્રમાં વધુ મજબૂતી સાથે સરકાર પોતાના મુદ્દા રજૂ કરી શકશે.હાલમાં શેરબજારમાં પ્રવાહી સ્થિતી રહેવાની શક્યતા છે. બજેટમાં કેટલાક લોકલક્ષી પગલા લેવામાં આવે તેવી શક્યતા પણ દેખાઈ રહી છે. કારોબારીઓ હાલમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની હિલચાલ અને પોલિસી બેઠકને લઇને સાવધાન થયેલા છે. આ મહિનાની શરૂઆતમાં જ પોલિસી સમીક્ષાની બેઠકમાં રેટને યથાવત રાખવામાં આવ્યા હતા. દરમિયાન છેલ્લા કેટલાક દિવસથી જોરદાર તેજીમાં રહેલા બિટકોઇનની કિંમતમાં એકાએક આજે એક કલાકની અંદર જ ૧૦૦૦ અમેરિકી ડોલરનો ઘટાડો થયો હતો અથવા તો ૧૫ ટકા સુધીનો ઘટાડો થયો હતો. દક્ષિણ કોરિયન શેર એક્સચેંજ માર્કેટમાં હેકિંગના શિકારના અહેવાલ આવ્યા બાદ આ ઘટાડો જોવા મળ્યો હતો. આ સપ્તાહની શરૂઆતમાં બિટકોઇન ૧૯૫૦૦ ડોલર સુધી નીચે પહોંચી ગયો હતો. હવે આ ક્રિપ્ટોકરન્સી ૧૭૩૭૬ અમેરિકી ડોલરની સપાટીએ છે.

(7:30 pm IST)