Gujarati News

Gujarati News

News of Wednesday, 20th December 2017

કર્ણાટક જીતવા અમિત શાહનો છે આ ખાસ પ્લાન

મોદી રાજ્યમાં ૩૦થી ૪૦ રેલીઓ સંબોધશેઃ ઝીણવટભરી સમીક્ષા કરાશે

બેંગાલુર તા. ૨૦ : ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં મેળવેલી જીત બાદ ભારતીય જનતા પાર્ટીની નજર હવે ૨૦૧૮માં કર્ણાટક રાજયમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પર છે. કર્ણાટક સર કરવા આગળ વધી રહેલી ભાજપ અહીં ગત વિધાનસભામાં થયેલી ભૂલનું પૂનરાવર્તન કરવા નથી માંગતી. માટે ભાજપ અધ્યક્ષ અમિત શાહે અહીં ખાસ ચક્રવ્યુહ રચ્યો છે. જેને અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીઓથી લઈને તમામ નાની નાની બાબતો પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તો નજર કરીએ ભાજપના ચાણકય અમિત શાહના પ્લાન કર્ણાટક પર.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કર્ણાટકમાં એક પછી એક એમ ૩૦ થી ૪૦ રેલીઓ સંબોધશે. સૌથી વધારે રેલીઓ નાના શહેરોમાં કરવામાં આવશે, જેનાથી ગરીબ મતદાતાઓને વધુમાં વધુ જોડી શકાય.

દિલ્હીના ભાજપના ગલિયારામાંથી જાણવા મળ્યા અનુંસાર કર્ણાટકમાં પાર્ટીમાં રહેલા આંતર કલેહને દૂર કરી કોંગ્રેસ વિરૂદ્ઘ રણનીતિ તૈયાર કરવી એ સૌથી મોટો પડકાર છે. ભાજપનું નેતૃત્વ ગુજરાતની માફજ કર્ણાટકમાં ચૂંટણી નથી લડવા માંગતું. આ વખતે ભાજપના આક્રમણની નિતિ કોંગ્રેસ પર દીધા હુમલા કરવાની રહેશે. આગામી દિવસોમાં કેટલાક પરિવર્તનો જોવા મળશે. કર્ણાટક ભાજપના નેતાઓને પણ આ બાબતે વાકેફ કરી દેવાયા છે.

કર્ણાટકમાં ભાજપ હિન્દુત્વ ઉપરાંત વિકાસનો એજન્ડા જનતા સામે મુકશે. ગુજરાતની ચૂંટણીમાંથી બોધપાઠ લેતા ભાજપ અહીં ગ્રામીણ વિસ્તારોમાં વધુ ધ્યાન કેન્દ્રિત કરશે. ખાસ કરીને ગરીબો અને ખેડુતોને પ્રાધાન્ય આપશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાષ્ટ્રિય નેતાની પરંદગીને ધ્યાનમાં રાખી વર્તમાન કૌર કમિટીને બદલીને ભૂપેન્દ્ર યાદવના નેતૃત્વમાં નવી ઈલેકશન કમિટીની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટીમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ સાથે સંપર્કમાં રહીને ચૂંટણીની રણનીતિ બનાવશે. જેમાં રાજય સ્તરના નેતાઓનો કોઈ ખાસ રોલ નહીં હોય. તેઓ માત્ર કમિટીના આદેશનું પાલન માત્ર કરશે.

ભાજપના એક વરિષ્ઠ નેતાના જણાવ્યા અનુસાર હિન્દુત્વ અને વિકાસને ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ ભારે જોરશોર સાથે ઉઠાવશે. પરંતુ આ મુદ્દો કર્ણાટકમાં ગરીબ વિરૂદ્ઘ અમિરનો બની રહેશે. આગામી બજેટમાં સમાજના આર્થિક રીતે નબળા વર્ગ માટે ખાસ યોજનાઓનું પણ એલાન કરવામાં આવશે.

ઉપરાંત ભાજપનું કેન્દ્રીય પાર્ટીની સ્ટેટ યૂનિટમાં પણ ફેરફાર કરવા જઈ રહ્યું છે. જેને અંતર્ગત કમીટીને મે, ૨૦૧૮ સુધી ઈલેકશન કમિટીમાં તબ્દિલ કરી દેવામાં આવશે. તેનું નેતૃત્વ ભૂપેન્દ્ર યાદવ અને અન્ય કેન્દ્રીય મંત્રીઓ કરશે. આ કમિટી રાષ્ટ્રિય નેતાઓ સાથે સમન્વય કરશે અને અન્ય નેતાઓ તે અનુસાર આગળ વધશે.

મોદી કેબિનેટમાં કર્ણાટકની સારી એવી ભાગીદારી છે. તેવામાં આ નેતાઓને ચૂંટણીની વિશેષ જવાબદારી સોંપવામાં આવશે. રસપ્રદ બાબત એ કે કર્ણાટક ભાજપમાં ત્રણ ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ચાર કેન્દ્રીય મંત્રીઓ છે. આ તમામને સમાન જવાબદારીઓ સોંપવામાં આવશે.

(3:36 pm IST)