Gujarati News

Gujarati News

News of Wednesday, 20th December 2017

ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી જારી :૧૫થી વધારે ટ્રેન રદ

કારગીલમાં માઇનસ ૧૫ ડિગ્રી તાપમાન થયુ : પંજાબ, હરિયાણા તેમજ રાજસ્થાનના જુદા જુદા ભાગો કાતિલ ઠંડીના સકંજામાં : લેહમાં માઇનસ ૧૩.૨ ડિગ્રી

નવી દિલ્હી,તા. ૨૦ : ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનુ મોજુ ફરી વળ્યુ છે. ઠંડીના કારણે જનજીવન પર પ્રતિકુળ અસર થઇ છે. દેશના કેટલાક ભાગોમાં પારો ખુબ નીચે પહોંચી  ગયો છે. લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જમ્મુ કાશ્મીર અને હિમાચલપ્રદેશના કેટલાક ભાગોમાં તો પારો માઇનસમાં છે. કેટલીક જગ્યાએ હિમવર્ષા પણ થઇ છે. જમ્મુકાશ્મીર અને હિમાચલપ્રદેશમાં સૌથી વધારે હાલત કફોડી બનેલી છે. લડાખ પ્રદેશમાં જનજીવન ખોરવાઇ ગયુ છે. કારગીલમાં માઇનસ ૧૫.૪ ડિગ્રી તાપમાન થયુ છે. આવી જ રીતે લેહમાં માઇનસ ૧૩.૨ ડિગ્રી તાપમાન થયુ છે. આ સ્થિતી હાલમાં અકબંધ રહે તેવી શક્યતા છે. અમરનાથ યાત્રા માટેના બેઝ કેમ્પ ગણાતા પહેલગામ અને ગુલમર્ગ ખાતે પણ સ્થિતી જટિલ બનેલી છે. મેદાની ભાગોમાં પણ લોકોને રાહત મળી રહી નથી. જયપુરથી પ્રાપ્ત હેવાલ મુજબ રાજસ્થાનમાં કાતિલ ઠંડીથી લોકો પરેશાન છે. અહીં પણ કેટલીક જગ્યાએ પારો એકથી પાંચ ડિગ્રી વચ્ચે રહ્યો છે. પંજાબ, હરિયાણા, અને ઉત્તરપ્રદેશમાં તીવ્ર ઠંડી અને ધુમ્મસની ચાદર જોવા મળી રહી છે. રાજસ્થાન અને દિલ્હીમાં સ્કુલોના સમયમાં ફેરફાર કરવાની ફરજ પડી રહી છે. ઉત્તરપ્રદેશમાં કાતિલ ઠંડીનુ મોજુ છે. લખનૌ અને આગરા સહિત મોટા ભાગના શહેરોમાં તાપમાનમાં ઘટાડો થયો છે. લખનૌમાં તાપમાન ઘટીને ૯.૪ ડિગ્રી થઇ ગયુ છે. નવી દિલ્હીમાં વિજિબિલિટી એકાએક ઘટી ગઇ છે. જેથી ટ્રેન અને વિમાની સેવાને માઠી અસર થઇ છે. પ્રાથમિક અહેવાલ મુજબ ધુમ્મસના કારણે ઓછામાં ઓછી ૨૦ ટ્રેનો તેમના નિર્ધારિત સમય કરતા ખુબ મોડેથી ચાલી રહી છે. ૧૫ ટ્રેનોને રદ કરવાની ફરજ પડી છે. બે ટ્રેનોના સમયમાં ફેરફાર કરવાની ફરજ પડી છે. ઉત્તર ભારતમાં ઠંડીની સ્થિતીમાં હાલ કોઇ ફેરફાર થાય તેવી શક્યતા ઓછી છે. રાજસ્થાન અને પંજાબ તેમજ હરિયાણામાં પરિવહન સેવા પર માઠી અસર થઇ છે.

(12:22 pm IST)