Gujarati News

Gujarati News

News of Wednesday, 20th December 2017

વિધાનસભામાં કરોડપતિ ધારાસભ્યો વધ્યાઃ ગુનાહિત બેકગ્રાઉન્ડ ધરાવતા ઘટયા

આ વખતે ૧૪૧ ધારાસભ્યો કરોડપતિ છે જેમણે ૧ કરોડ કરતા વધારેની સંપત્તિ જાહેર કરી છે : ભાજપમાં ૧૮, કોંગ્રેસમાં ૨૫ ધારાસભ્યો સામે એફિડેવિટમાં જણાવ્યા મુજબ ગુના નોંધાયેલા છે

નવી દિલ્હી તા. ૨૦ : એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) અને ગુજરાત ઈલેકશન વોચનું વિશ્લેષણ જણાવે છે કે હાલમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ક્રિમિનલ કેસ ધરાવતા મેમ્બર્સ ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી (MLA)ની સંખ્યા ૨૦૧૨ની સરખામણીએ ઘટી છે. જો કે ધારાસભ્યોની કુલ સંપત્ત્િ।માં ૨૦૧૨ની સરખામણીમાં વધારો થયો છે. GEWના કોર્ડિનેટર પંકિત જોગ જણાવે છે કે આ વખતે ૧૪૧ MLA કરોડપતિ છે જેમણે ૧ કરોડ કરતા વધારેની સંપત્તિ જાહેર કરી છે.

જોગે જણાવ્યું, 'ગઈ વિધાનસભામાં કરોડપતિ ધારાસભ્યોની સંખ્યા ૧૩૪ હતી. જીતનાર ઉમેદવારો દ્વારા જાહેર કરાયેલી સરેરાશ સંપત્તિ ૮.૪૬ કરોડ હતી. ગઈ વિધાનસભામાં આ સંપત્ત્િ। ૮.૦૩ કરોડ જેટલી હતી. ફરીથી ચૂંટાયેલા ૮૧ MLAની સંપત્તિમાં ગઈ એફિડેવિટની સરખામણીએ ૪૫ ટકા એટલે કે ૩.૩ કરોડનો વધારો થયો છે.'

ADRના અધિકારીઓએ જણાવ્યું કે ગઈ વિધાનસભામાં ૩૧ ટકા MLA ગુનાઈત બેકગ્રાઉન્ડ ધરાવતા હતા. આ વખતે આવા MLAની સંખ્યા ૨૬ ટકા જેટલી છે. પાર્ટી પ્રમાણે ભાજપમાં ૧૮, કોંગ્રેસમાં ૨૫ ધારાસભ્યો સામે એફિડેવિટમાં જણાવ્યા મુજબ ગુના નોંધાયેલા છે.

આ વખતે ચૂંટાયેલા ધારાસભ્યોની સરેરાશ આયુ ૫૩ વર્ષ છે. મોટાભાગના ધારાસભ્યો પાંચ ધોરણથી ૧૨ ધોરણ સુધી ભણેલા છે. ગઈ વખતે વિધાનસભામાં ૧૬ મહિલા ધારાસભ્યો હતા જેની સામે આ વખતે ૧૩ જ મહિલા ધારાસભ્યો છે. ૧૩ મહિલા ઉમેદવારોમાંથી ૯ ભાજપના તો ૪ કોંગ્રેસના છે.

૨૬ ટકા (૪૭) MLAએ તેમની સામે ક્રિમિનલ કેસ નોંધાયા હોવાનું સ્વીકાર્યું હતુ. ગઈ વખતે આ સંખ્યા ૩૧ ટકા (૫૭) જેટલી હતી. આ વખતે ચૂંટાયેલા ધારાસભ્યોમાંથી ૧૮ સામે હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટફાટ જેવા ગંભીર ગુના નોંધાયેલા છે. ૨૦૧૨માં આ સંખ્યા ૧૩ ટકા (૨૪) જેટલી હતી.

બે MLAમહેશ વસાવા (ભારતીય ટ્રાઈબલ પાર્ટી) અને ભાવેશ કટારા (કોંગ્રેસ) સામે હત્યાના કેસ નોંધાયેલા છે. છ MLA- મહેશ વસાવા, કિર્તીકુમાર પટેલ, શૈલેશ મહેતા, ભાવેશ કટારા, હર્ષદ રિબાડિયા, વિમલ ચુડાસમા સામે હત્યાના પ્રયાસના કેસ નોંધાયા છે.

પાર્ટી પ્રમાણે ભાજપના ૧૮ ટકા MLA, કોંગ્રેસના ૩૨ ટકા MLA, BTPના ૧૦૦ ટકા (૧) MLA અને અપક્ષમાં ૬૭ ટકા ઉમેદવાર સામે આવા કેસ નોંધાયેલા છે. ભાજપના ૧૨ ટકા, કોંગ્રેસના ૨૨ ટકા, બીટીપીના ૧૦૦ ટકા અને એનસીપીના ૬૭ ટકા MLAએ તેમની સામે ગંભીર ગુનાની ફરિયાદ હોવાનું જાહેર કર્યું છે.

વિધાનસભામાં ૧ ધારાસભ્ય અશિક્ષિત છે. સાત પાસે થોડુ ગણુ ભણતર છે. ૭ ધારાસભ્ય પાંચ ધોરણ સુધી ભણેલા છે, ૧૫ ધારાસભ્ય ૮ ધોરણ સુધી ભણેલા છે, ૪૪ ધારાસભ્ય ૧૦મું પાસ છે, ૩૪ ગ્રેજયુએટ અને ૨૩ પ્રોફેશનલ ડીગ્રીમાં ગ્રેજયુએટ છે. નવ ધારાસભ્યો પોસ્ટ ગ્રેજયુએટ્સ છે અને ૩ ડોકટરેટ થયેલા છે.

વિધાનસભામાં ધારાસભ્યોની સરેરાશ ઉંમર ૫૩ વર્ષ ૫ મહિનાની છે. ૧૨ ટકા (૨૧) MLAએ તેમની ઉંમર ૨૫ વર્ષથી ૪૦ વર્ષ વચ્ચે છે. ૬૬ ટકાએ તેમની ઉંમર ૪૧થી ૬૦ વર્ષની હોવાનું જાહેર કર્યું છે. ૪૦ MLA એટલે કે ૨૨ ટકા MLA એવા છે જેમણે તેમની ઉંમર ૬૧થી ૮૦ વર્ષની વચ્ચે હોવાનું જાહેર કર્યું છે.

વિધાનસભામાં સૌથી મોટી ઉંમરના MLA લીમડી બેઠકથી ચૂંટાયેલા સોમાભાઈ કોળી પટેલ (કોંગ્રેસ)ના છે જેમની વય ૭૭ વર્ષ છે. પેટલાદના નિરંજન પટેલની ઉંમર ૭૪ વર્ષ છે અને ભાજપના ઠક્કરબાપાનગર બેઠકથી ચૂંટાયેલા વલ્લભ કાકડિયાની ઉંમર ૭૪ વર્ષ છે.

સૌથી યુવા વયના MLA ભાજપના ગાંધીધામ બેઠક પરથી ચૂંટાયેલા માલતી મહેશ્વરી છે જેમની ઉંમર ૨૮ વર્ષ છે. સાણંદના કનુભાઈ પટેલ, કોંગ્રેસના ઝાલોદ પરથી ચૂંટાયેલા ભાવેશ કટારા અને મજુરાના ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીની ઉંમર ૩૨ વર્ષ છે. જેતપુરમાંથી જીતેલા જયેશ રાદડિયાની ઊંમર ૩૫ વર્ષ છે.

(10:38 am IST)