Gujarati News

Gujarati News

News of Wednesday, 20th December 2017

ખાનગી કર્મચારીઓ માટે ગ્રેજ્યુઇટી લિમિટ વધારાશે

પ્રાઇવેટ સેકટરમાં ગ્રેજ્યુઇટી લિમિટ સરકારી કર્મચારીઓની જેમ જ વધારીને ૨૦ લાખ રૂપિયા થવાની આશાઓ છે

નવી દિલ્હી તા. ૨૦ : સરકારે પ્રાઈવેટ સેકટરના કર્મચારીઓ માટે ગ્રેજયુઇટીની મર્યાદા વધારવા અને વધારે મેટરનિટી લીવ આપવા માટે લોકસભામાં એક બિલ રજૂ કર્યું છે. પ્રાઈવેટ સેકટરમાં ગ્રેજયુઇટી લિમિટ સરકારી કર્મચારીઓની જેમ જ વધારીને ૨૦ લાખ રૂપિયા થવાની આશાઓ છે. શ્રમપ્રધાન સંતોષ કુમાર ગંગવારે પેમેંટ ઓફ ગ્રેજયુટી બિલ ૨૦૧૭ સદનમાં રજૂ કર્યું હતું.

પેમેન્ટ ઓફ ગ્રેજયુઇટી એકટ ૧૯૭૨ને ફેકટરીઓ, માઈન્સ, ઓઈલફિલ્ડ, પ્લાન્ટેશન, પોર્ટ, રેલવે કંપનીઓ, દુકાનો અથવા તો અન્ય જગ્યાએ નોકરી કરનારા કર્મચારીઓ માટે લાગુ કરવામાં આવ્યું હતું. આ બિલ ૧૦ અથવા વધારે કર્મચારીઓ વાળી કંપનીમાં ઓછામાં ઓછા પાંચ વર્ષની નોકરી પુરી કરનારા કર્મચારીઓ પર લાગુ છે. તો આ સિવાય મેટરનિટી બેનીફિટ એકટ ૨૦૧૭ દ્વારા મેટરનિટી લીવને ૧૨ અઠવાડીયાથી વધારીને ૨૬ અઠવાડીયા સુધીની કરી દેવામાં આવી છે.

ગ્રેજયુઇટીની રકમ નોકરીના પ્રત્યેક વર્ષ માટે ૧૫ દિવસના વેતનના આધારે નક્કી કરવામાં આવે છે. આની વધુમાં વધુ મર્યાદા ૧૦ લાખ રૂપીયા છે કે જે ૨૦૧૦માં નક્કી કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સાતમું પગાર પંચ લાગુ થયા બાદ ગ્રેજયુઇટીની મર્યાદા ૧૦ લાખ રૂપીયાથી વધારીને ૨૦ લાખ રૂપીયા કરવામાં આવી છે.

(10:37 am IST)